રસ્તા પરના ડિવાઇડરને કારણે થાણેના લોકો પરેશાન : સ્કૂટીને અકસ્માત થતાં પુરુષને ગંભીર ઈજા : લોકો તેને હૉસ્પિટલમાં લઈ ગયા, પણ આસપાસનાં પોલીસ સ્ટેશનોમાં આવો કોઈ બનાવ નોંધાયો નથી
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં છેલ્લા થોડા વખતથી જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં કેટલાંક એવાં પગલાં લેવામાં આવ્યાં છે જેનાથી સગવડ ઓછી અને હેરાનગતિ વધુ થતી હોવાની બૂમ ઊઠી છે. એમાં મુખ્યત્વે થાણેના મુખ્ય રસ્તાઓ પર બનાવાયેલાં ડિવાઇડરો છે. એનાથી અનેક જગ્યાએ લોકોએ યુ ટર્ન મારવા લાંબું ચક્કર કાપવું પડે છે જેને લીધે ટ્રાફિક-જૅમ થાય છે અને અકસ્માતો પણ વધી રહ્યા છે એમ થાણેકરોનું કહેવું છે.
શનિવારે રાતે થાણે-વેસ્ટના વિવિયાના મૉલ સામે એક ટૂ-વ્હીલરનો બહુ જ ખરાબ અકસ્માત થયો હતો. એમાં સ્કૂટી પર સવારી કરી રહેલા પુરુષને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે મહિલા ભાનમાં હતી. અકસ્માત થતાં જ અન્ય કેટલાક વાહનચાલકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. સામે જ થોડે દૂર જ્યુપિટર હૉસ્પિટલ હતી. થોડો-થોડો વરસાદ પડી રહ્યો હતો અને એ વખતે ત્યાં ડ્યુટી પર તહેનાત એક મહિલા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોઈ વ્યક્તિએ એ ઘટનાનો વિડિયો ઉતારીને વાઇરલ કરી દીધો હતો. એમાં લોકો કહી રહ્યા હતા કે ૧૦૦ નંબર પર ફોન કર્યો, પણ પોલીસ રિસ્પૉન્સ નથી આપી રહી. મહિલા પોલીસ કર્મચારી પણ ફોન કરીને પોલીસની મદદ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તેને પણ રિસ્પૉન્સ નહોતો મળી રહ્યો. લોકો એવું ચર્ચી રહ્યા છે કે થાણેના રસ્તાઓ પર વગર વિચાર્યે ગોઠવી દેવાયેલાં ડિવાઇડરોને કારણે આ અકસ્માત થયો છે અને રોજ આવા અકસ્માત થાય છે. આમ થાણેમાં ગોઠવાયેલાં ડિવાઇડરો બાબતે ફરી ઊહાપોહ મચ્યો છે. જે ડિવાઇડર સાથે સ્કૂટી અથડાયું હોવાનું કહેવાય છે એ સ્પૉટ પર ડિવાઇડરની બાજુમાં જ ૯૦ ડિગ્રી પર સિમેન્ટનું મોટું ડિવાઇડર આડું ગોઠવીને રોડનો એટલો ભોગ બ્લૉક કરી દેવાયો છે અને એને કારણે એ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. જોકે કાપુરબાવડી પોલીસે તેમની હદમાં આવી કોઈ ઘટના બની હોવાનો ઇનકાર કરી દીધો હતો.
ADVERTISEMENT
આ બાબતે થાણેના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધિકારી યાસિન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આ ઘટનાની જાણ કરવામાં આવતાં અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પણ એ પહેલાં જ ઘાયલોને ત્યાંથી ખસેડી લેવાયા હતા. એટલે અમે કાપુરબાવડી પોલીસ સ્ટેશન, વર્તકનગર પોલીસ સ્ટેશન અને રાબોડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને એ ઘટનાની વધુ વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ લોકોના કહેવા મુજબ તેમના પોલીસ સ્ટેશનમાં આવી કોઈ ઘટનાની નોંધ જ થઈ નથી.’


