મોટરિસ્ટ પાસેથી પાંચ હજાર રૂપિયાની લાંચ લેવાના ચક્કરમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટના પંચાવન પોલીસની ટ્રાન્સફર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર (મિડ-ડે)
થાણેમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ જપ્ત કરાયેલું ડ્રાઇવિંગ લાઇસન્સ પરત અપાવવા માટે વાહન-ડ્રાઇવર પાસેથી પાંચ હજાર રૂપિયાની લાંચ લેવાના મામલે થાણે ઍન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ કડક કાર્યવાહી કરી છે. આ ઘટનાના પગલે થાણે પોલીસ પ્રશાસને કડક વલણ અપનાવીને મુંબ્રા ટ્રાફિક વિભાગના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અતુલ અહેર સહિત ત્રણ અધિકારીઓ અને બાવન કૉન્સ્ટેબલ મળીને કુલ પંચાવન પોલીસને તાત્કાલિક અસરથી મુખ્ય કંટ્રોલ-રૂમ (હેડક્વૉર્ટર) ખાતે ટ્રાન્સફર કરી દીધા છે. આ ઉપરાંત વિભાગમાં ફરજ બજાવતા ૨૭ ટ્રાફિક-વૉર્ડનની પણ બદલી કરી દેવામાં આવી છે. હાલમાં મુંબ્રા ટ્રાફિક પેટા-વિભાગના ઇન્સ્પેક્ટર પદનો વધારાનો હવાલો વહીવટી વિભાગના ઇન્સ્પેક્ટર ગૌરી મોરેને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ૨૫ ઑક્ટોબરે મુંબ્રા બાયપાસ રોડ પર જૂના બંધ ટોલનાકા પાસે મુંબ્રા ટ્રાફિક-વિભાગના અધિકારીઓ દ્વારા દારૂ પીને વાહન ચલાવનારા એક ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહી કરીને તેનું લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ વાહનચાલકે થાણે કોર્ટમાં ૧૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો હતો. દંડ ભર્યાની પાવતી લઈને જ્યારે ફરિયાદી પોતાનું લાઇસન્સ પરત લેવા મુંબ્રા ટ્રાફિક-વિભાગની કચેરીએ પહોંચ્યા ત્યારે ત્યાં સાદા કપડાંમાં હાજર રહેલા ૨૭ વર્ષના ટ્રાફિક-વૉર્ડન અરબાઝ શેખે લાઇસન્સ પરત આપવા માટે તેમની પાસે પાંચ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
ADVERTISEMENT
વાહન-ડ્રાઇવરે આ અંગે ACBમાં ફરિયાદ નોંધાવતાં અધિકારીઓએ તેની ખરાઈ કરી હતી, જેમાં લાંચ માગવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યાર બાદ ACBએ છટકું ગોઠવીને ટ્રાફિક-વૉર્ડન અરબાઝ શેખને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ ગંભીર બાબતની નોંધ લઈને થાણેના જૉઇન્ટ પોલીસ-કમિશનર ડૉ. જ્ઞાનેશ્વર ચવ્હાણે આ મોટી કાર્યવાહી કરી છે. થાણે ટ્રાફિક કંટ્રોલ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) પંકજ શિરસાટે જણાવ્યું હતું, ‘આ સમગ્ર લાંચ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જેના ભાગરૂપે નિષ્પક્ષ તપાસ માટે તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને વૉર્ડનની બદલી કરવામાં આવી છે.’
