લૉટરી નીકળી ગઈ : ક્યાં, કઈ કૅટેગરીની વ્યક્તિ મેયર બનશે એ નક્કી થઈ ગયું
(ડાબેથી) રિતુ તાવડે, અલકા કેરકર, તેજસ્વી ઘોસાળકર, રાજેશ્રી શિરવડકર, શીતલ ગંભીર
મીરા-ભાઇંદર અને નવી મુંબઈમાં પણ આ જ કૅટેગરીની મહિલા થશે મેયરના પદે બિરાજમાન : થાણેમાં શેડ્યુલ્ડ કાસ્ટ, કલ્યાણ-ડોમ્બિવલીમાં શેડ્યુલ્ડ ટ્રાઇબ અને વસઈ-વિરારમાં ઓપન જનરલ કૅટેગરીના ફાળે જશે મેયરનું પદ
મંત્રાલયમાં ગઈ કાલે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ઉપરાંત રાજ્યની અન્ય ૨૮ મહાનગરપાલિકામાં કઈ કૅટેગરીના મેયર રહેશે એ માટે અનામતની લૉટરીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં આ વખતે BMCમાં જનરલ કૅટેગરીની મહિલાની ચિઠ્ઠી લૉટરીમાં નીકળતાં હવે જનરલ કૅટેગરીની મહિલા મુંબઈની મેયર બનશે. એટલું જ નહીં, અન્ય ૮ મહાનગરપાલિકાઓ પુણે, ધુળે, નાંદેડ-વાઘાલા, નવી મુંબઈ, માલેગાંવ, મીરા-ભાઈંદર, નાગપુર અને નાશિકમાં પણ હવે જનરલ કૅટેગરીની મહિલા મેયર બનશે.
ADVERTISEMENT
BMCના મેયરની લૉટરીનો ભૂતપૂર્વ મેયર અને શિવસેના (UBT)નાં નેતા કિશોરી પેડણેકરે આક્ષેપ લીધો હતો અને ત્યાર બાદ તેઓ વૉકઆઉટ કરી ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે આ લૉટરી પારદર્શક નથી. કિશોરી પેડણેકરે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘અનુસૂચિત જાતિ (શેડ્યુલ્ડ ટ્રાઇબ–ST)ની કૅટેગરી કેમ ન રાખી? BMCમાં ST કૅટેગરીના બે નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે તો પછી અનામતની ચિઠ્ઠી કાઢતી વખતે એ કૅટેગરીને કેમ ડિલીટ કરી નાખી? મહાયુતિ પાસે આ કૅટેગરીના નગરસેવક નથી એટલે શું આ કૅટેગરી કાઢી નાખવામાં આવી? જાણીજોઈને ST કૅટેગરી કાઢી નાખી. અચાનક જ ST કૅટેગરી માટે મિનિમમ ૩ સભ્ય (નગરસેવક) હોવા જોઈએ એવો નિયમ બનાવી કાઢ્યો. સત્તાધારી પક્ષોમાં જે કૅટેગરીના નગરસેવકો છે એ જ કૅટેગરીની લૉટરી કરાઈ છે.’
એટલું જ નહીં, મુંબઈના મેયરપદ માટે અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને ગણતરીમાં ન લેવાયા હોવાનો આક્ષેપ પણ શિવસેના (UBT)એ કર્યો હતો. લોકસંખ્યા અનુસાર અને રોટેશન પદ્ધતિ પ્રમાણે OBCને તક મળવી જોઈતી હતી. તેમનું કહેવું હતું કે આ વખતે OBC મહિલાને એ તક મળવી જોઈતી હતી. આ આક્ષેપોને લઈને કિશોરી પેડણેકર અને BJPના પ્રતિનિધિઓ વચ્ચે વિવાદ થવાથી પ્રશાસને કહ્યું હતું કે અમે તમારા આક્ષેપો નોંધી લીધા છે.
બીજી બાજુ આ બાબતે BJPનાં માધુરી મિસાળે કહ્યું હતું કે ‘ઠાકરે જૂથ તરફથી કરવામાં આવેલા આક્ષેપો કોઈ પણ નિયમોને અનુસરીને નહોતા. તેમના કહેવા મુજબ તેમને મુંબઈમાં જે અનામત જોઈતી હતી એ માટે શું થઈ શકે એની તેઓ બૂમાબૂમ કરી રહ્યા હતા. આક્ષેપ નોંધાવવા એ તેમનો અધિકાર છે. તેમણે હાલમાં જે અનામત બદલ આક્ષેપ લીધા છે એ વિશે અમે તેમને કહ્યું કે પ્રશાસને આ આખી પ્રક્રિયા નિયમો અનુસાર જ લીધી છે. તેમના જે કંઈ ઑબ્જેક્શન હશે એ અમે વિચારવા માટે લઈશું. આ આખી પ્રક્રિયાનું લાઇવ ટેલિકાસ્ટ અમે બતાવ્યું છે એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે તેમણે લીધેલા એ ઑબ્જેકશનનો કોઈ અર્થ નહોતો.’
BMCમાં મેયરપદ માટે આ પાંચ મહિલા નગરસેવિકાઓનાં નામ ચર્ચામાં
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિત ૨૯ મહાનગરપાલિકાના મેયરના પદ માટેની અનામતની લૉટરી ગઈ કાલે મંત્રાલયમાં થઈ હતી જેમાં BMCમાં જનરલ કૅટેગરીની મહિલાના ફાળે એ મેયરપદ ગયું હતું. ત્યાર બાદ મેયરપદ માટે પાંચ સંભવિત મહિલા નગરસેવિકાઓનાં નામ ચર્ચાઈ રહ્યાં હતાં. એમાં રિતુ તાવડે, અલકા કેરકર, તેજસ્વી ઘોસાળકર, રાજેશ્રી શિરવડકર અને શીતલ ગંભીરના નામની ચર્ચા થઈ રહી હતી.
રિતુ તાવડે ઘાટકોપરના વૉર્ડ-નંબર ૧૩૨માંથી ચૂંટાઈ આવ્યાં છે. ૫૩ વર્ષનાં રિતુ તાવડે બીજી વાર સુધરાઈમાં ચૂંટાઈ આવ્યાં છે. મેયરપદની રેસમાં તેમનું નામ મોખરે છે.
બાંદરા, ખાર અને સાંતાક્રુઝમાં આવેલા વૉર્ડ-નંબર ૯૮માંથી ચૂંટાઈ આવેલાં અલકા કેરકરની નગરસેવિકા તરીકેની આ ચોથી ટર્મ છે. વળી આ પહેલાં તેઓ ડેપ્યુટી મેયરના પદે પણ રહી ચૂક્યાં છે. BJPનાં નિષ્ઠાવાન કાર્યકર તરીકે તેમની ઓળખ છે.
BMCની ચૂંટણીના થોડા જ દિવસ પહેલાં શિવસેના (UBT) છોડીને BJPમાં જોડાયેલાં તેજસ્વી ઘોસાળકરનું નામ પણ આ રેસમાં ચર્ચાઈ રહ્યું છે. તેજસ્વી ઘોસાળકર શિવસેના (UBT)ના દિવંગત નેતા અભિષેક ઘોસાળકરનાં પત્ની છે તેમ જ શિવસેના (UBT)ના વિનોદ ઘોસાળકરનાં પુત્રવધૂ છે. તેમણે BJP જૉઇન કરતાં કુટુંબમાં ઊહાપોહ મચી ગયો હતો. તેજસ્વી ઘોસાળકરે દહિસરના વૉર્ડ-નંબર બેમાંથી BJPની ટિકિટ પર લડીને શિવસેના (UBT)નાં ધનશ્રી કોલગેને ૧૦,૭૫૫ મતથી સજ્જડ હરાવ્યાં હતાં.
રાજેશ્રી શિરવડકર સાયન-માટુંગાના વૉર્ડ-નંબર ૧૭૨માંથી BJPમાંથી ચૂંટણી લડીને જીતી આવ્યાં છે. આ તેમની આ બીજી ટર્મ છે. આ પહેલાં તેઓ ૨૦૧૭માં ચૂંટાઈ આવ્યાં હતાં. એ વખતે તેમને ૧૩,૭૩૧ મત મળ્યા હતા.
મુંબઈની હાઈ-વૉલ્ટેજ લડતમાંની એક એટલે માહિમના વૉર્ડ-નંબર ૧૯૦માં શિવસેના (UBT)નાં વૈશાલી પાટીલ અને BJPનાં શીતલ ગંભીર વચ્ચેની લડત હતી. આદિત્ય ઠાકરે માટે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો, કારણ કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં શિવાજી પાર્કમાં થયેલી જાહેર સભામાં મંચ પરથી આદિત્ય ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું કે તેમને જવાબ આપવા માટે અમારાં શીતલ ગંભીર જ પૂરતાં છે.
MMRમાં મેયરનું પદ કઈ કૅટેગરીના ફાળે ગયું?
થાણે શેડ્યુલ્ડ કાસ્ટ-SC
મીરા–ભાઈંદર ઓપન જનરલ કૅટેગરી-મહિલા
વસઈ–વિરાર ઓપન જનરલ કૅટેગરી
નવી મુંબઈ ઓપન જનરલ કૅટેગરી-મહિલા
ભિવંડી–નિઝામપુર ઓપન જનરલ કૅટેગરી
કલ્યાણ–ડોમ્બિવલી શેડ્યુલ્ડ ટ્રાઇબ-ST
પનવેલ અધર બૅકવર્ડ ક્લાસ-OBC
ઉલ્હાસનગર અધર બૅકવર્ડ ક્લાસ-OBC
મહિલાઓને ૫૦ ટકા અનામત
મેયરપદની અનામતની લૉટરી રોટેશન પદ્ધતિથી કરવામાં આવી હતી. એથી મહાનગરપાલિકાની આ પહેલાંની અનામતને બાકાત રાખવામાં આવી હતી. અનામત માટે ૨૦૧૧ની જનગણનાને ગણતરીમાં લેવામાં આવી હતી. શરૂઆતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત કાઢવામાં આવી હતી. ત્યાર બાદ અધર બૅકવર્ડ ક્લાસ અને પછી જનરલ કૅટેગરીની લૉટરી થઈ, જેમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામત રાખવામાં આવી હતી.
બીજી બાજુ આ બાબતે BJPનાં માધુરી મિસાળે કહ્યું હતું કે ‘ઠાકરે જૂથ તરફથી કરવામાં આવેલા આક્ષેપો કોઈ પણ નિયમોને અનુસરીને નહોતા. તેમના કહેવા મુજબ તેમને મુંબઈમાં જે અનામત જોઈતી હતી એ માટે શું થઈ શકે એની તેઓ બૂમાબૂમ કરી રહ્યા હતા. આક્ષેપ નોંધાવવા એ તેમનો અધિકાર છે. તેમણે હાલમાં જે અનામત બદલ આક્ષેપ લીધા છે એ વિશે અમે તેમને કહ્યું કે પ્રશાસને આ આખી પ્રક્રિયા નિયમો અનુસાર જ લીધી છે. તેમના જે કંઈ ઑબ્જેક્શન હશે એ અમે વિચારવા માટે લઈશું. આ આખી પ્રક્રિયાનું લાઇવ ટેલિકાસ્ટ અમે બતાવ્યું છે એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે તેમણે લીધેલા એ ઑબ્જેકશનનો કોઈ અર્થ નહોતો.’


