હાઇવે જૅમ હોવાથી દીકરા સાથે તેઓ ભાઈંદરથી દીકરીના ઘરે અંદરના રસ્તાથી જઈ રહ્યાં હતાં ત્યારે બાઇક સ્લિપ થઈ અને માથામાં માર લાગ્યો
વર્ષા મહેતા
ભાઈંદર-વેસ્ટમાં મહાનગરપાલિકાની ઑફિસ સામે આવેલા પ્રથમેશ બિલ્ડિંગમાં રહેતા દીપેન મહેતા મમ્મી વર્ષા મહેતા સાથે બહેનની દીકરીની તબિયત સારી ન હોવાથી બાઇક પર તેમના ઘરે જતા હતા. હાઇવે જૅમ હોવાથી વર્ષા મહેતા તેઓ અંદરના પરિસરમાંથી જતા હતા ત્યારે અચાનક જ બાઇક આગળ પથ્થર આવી જવાથી બાઇક સ્લિપ થઈ હતી, જેને પગલે વર્ષાબહેન નીચે પડ્યાં હતાં અને તેમના માથા પર ભારે માર લાગતાં તેમણે જીવ ગુમાવ્યો હતો.
૬૪ વર્ષનાં વર્ષા મહેતા તેમના દીકરા દીપેન સાથે ભાઈંદરમાં રહે છે, જ્યારે તેમની દીકરી જે. પી. ઇન્ફ્રામાં રહે છે. ભાઈંદરથી અહીં આવવું હોય તો હાઇવેથી સારું પડે, પરંતુ રવિવારે રાતે હાઇવે જૅમ હોવાથી દીપેન અને તેમનાં મમ્મી હાઇવેથી ન જતાં હાટકેશ વિસ્તાર થઈને અંદરના ભાગમાંથી જઈ રહ્યાં હતાં. કાશીમીરાના હાટકેશ વિસ્તારમાં જે. પી. ઇન્ફ્રાની પાસે રાતે સાડાદસ વાગ્યે જતી વખતે રસ્તામાં ઝીણા પથ્થરોને કારણે ટૂ-વ્હીલર સ્લિપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં વર્ષા મહેતાને માથામાં અને નાક પર ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. તેમને પહેલાં પાસે આવેલી હૉસ્પિટલમાં અને હાલત વધુ ખરાબ થવાથી મીરા રોડની ભક્તિવેદાંત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જોકે ત્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ કેસની તપાસ કરી રહેલા કાશીગાંવ પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કેસરેએ જણાવ્યું હતું કે રસ્તા પરના ખાડા અને ઝીણા પથ્થરોને કારણે બાઇક સ્લિપ થવાથી અકસ્માત થયો હતો.
ADVERTISEMENT
વૈષ્ણવ કપોળ સમાજના દીપેન મહેતાએ આ અકસ્માત વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી બહેન જે. પી. ઇન્ફ્રામાં રહે છે. તેની સાત વર્ષની દીકરીની તબિયત ખરાબ હતી એટલે તે ખૂબ રડી રહી હોવાથી હું અને મમ્મી તેને મળવા ગયાં હતાં. હાઇવે પર ટ્રાફિક જૅમ હોવાથી મેં અંદરના રસ્તા પરથી બાઇક લઈ જવાનું નક્કી કર્યું હતું. બહેનની દીકરી અમારી ખૂબ લાડકી હોવાથી તેનું રડવાનું અમને ગમે એમ નહોતું. રવિવારે રાતે તે રડવા લાગી એટલે અમે તરત નીકળ્યા ત્યારે હાટકેશ પાસે અકસ્માત થયો હતો. મારી બુલેટ બાઇક પર મમ્મી પાછળ બેઠાં હતાં. આગળ ઝીણા પથ્થર આવ્યા ત્યારે બાઇક સ્લિપ થવાથી મમ્મી ચક્કર જેવું આવી જતાં નીચે આગળના ભાગમાં પછડાઈ હતી. તેને માથામાં માર વધુ લાગ્યો હતો. મમ્મીની તબિયત સારી રહેતી નહોતી અને હાલમાં જ તેની દવા લઈને આવ્યા હોવાથી એ પણ ચાલુ હતી. ઉપરાંત અકસ્માતના દિવસે તેનો ઉપવાસ પણ હતો.’