આ બનાવમાં ટ્રેનના આગળના ભાગમાં નુકસાન થવાની સાથે મોટરમૅનના માથામાં ઈજા થઈ હતી

ફાઇલ તસવીર
મુંબઈ : ચર્ચગેટથી વિરાર જતી છેલ્લી લોકલ ટ્રેનના આગળના ભાગમાં શુક્રવારે મોડી રાત્રે નાયગાંવ રેલવે સ્ટેશન પાસે ક્રેનનો હુક અથડાયો હતો. આ બનાવમાં ટ્રેનના આગળના ભાગમાં નુકસાન થવાની સાથે મોટરમૅનના માથામાં ઈજા થઈ હતી. નાયગાંવ રેલવે સ્ટેશન પરના પ્લૅટફૉર્મ-નંબર એક પાસે સ્ટીલની કૉલમ ઊભી કરવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી ત્યારે ક્રેનનો હુક લોકલ ટ્રેનના આગળના ભાગમાં અડી ગયો હતો.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘શુક્રવારે રાત્રે ચર્ચગેટથી વિરાર માટે રવાના થયેલી લોકલ ટ્રેન નાયગાંવ સ્ટેશને પહોંચી ત્યારે અહીં પ્લૅટફૉર્મ-નંબર એક પાસે લાવવામાં આવેલી ક્રેનનો હુક ટ્રેનના આગળના ભાગમાં અડી ગયો હતો. આ માઇનર અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગમાં થોડું નુકસાન થયું હતું અને મોટરમૅનના માથામાં ઈજા થઈ હતી.’
આ ઘટના કેવી રીતે બની એ વિશે સુમિત ઠાકુરે આગળ કહ્યું હતું કે ‘નાયગાંવ રેલવે સ્ટેશન પર સ્ટીલની કૉલમ ઊભી કરવા માટે શુક્રવારે અને શનિવારે રાત્રે બ્લૉક પ્લાન કરવામાં આવ્યો હતો. આ સમયે પ્લૅટફૉર્મ-નંબર એક પર ક્રેન લાવવામાં આવી હતી. આ ક્રેનને ટ્રૅકની બાજુમાં ઊભી રખાઈ હતી.’