સ્કૂલમાં ભાઈને મૂકવા આવેલી બહેનનું પિકનિક લઈ જતી બસની ટક્કર વાગવાથી થયું મૃત્યુ
વિરારમાં સ્કૂલની બસ પિકનિક માટે જઈ રહી હતી ત્યારે વિદ્યાર્થી ઓમની બહેન અડફેટમાં આવી જતાં મૃત્યુ પામી હતી.
મુંબઈ : વિરારમાં આવેલી એક સ્કૂલના વિદ્યાર્થીઓને પિકનિક લઈ જતી બસની ટક્કર વાગવાથી ૧૯ વર્ષની એક યુવતીનું મૃત્યુ થયું હતું. ગઈ કાલે સવારે લગભગ સાત વાગ્યે યુવતી તેના ભાઈને છોડવા આવી ત્યારે આ અકસ્માત બન્યો હોવાથી માતમનું વાતાવરણ જોવા મળ્યું હતું. મૃત્યુ પામનાર યુવતીનું નામ સિદ્ધિ ફુટાણે છે. યુવતીના પિતા મુંબઈ પોલીસમાં ફરજ બજાવે છે.
વિરાર-ઈસ્ટના ગોચરપાડામાં આવેલી નરસિંહ ગોવિંદ વર્તક (એજીવી) સ્કૂલના વિદ્યાર્થીઓને મુંબઈ બાજુએ પિકનિક લઈ જવાના હતા. સિદ્ધિ ફુટાણે તેના પાંચમા ધોરણમાં ભણતા નાના ભાઈ ઓમને બસમાં મૂકવા આવી હતી. બધાં બાળકો બસમાં ચડી ગયાં હતાં અને વાલીઓ પોતાનાં બાળકોને બાય-બાય કરવા ઊભા હતા. એ વખતે ડ્રાઇવર બસને પાછળ લઈ રહ્યો હતો ત્યારે સિદ્ધિને બસે જોરદાર ટક્કર મારી હતી. એથી તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જખમી હાલતમાં તેને વિરારની સંજીવની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સિદ્ધિના પિતા મુંબઈ પોલીસમાં છે. આ ઘટનાને પગલે સ્કૂલમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી તેમ જ પિકનિક કૅન્સલ કરવામાં આવી હતી. વિરાર પોલીસ સ્ટેશનમાં બસ-ડ્રાઇવર વિરુદ્ધ કેસ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી.