૯૫.૫૦ ટકાનો આ આંકડો વર્ષ ૨૦૨૫ (૯૯.૧૦ ટકા) અને ૨૦૨૪ (૯૯.૪૨ ટકા)માં એ જ દિવસે નોંધાયેલા આંકડાઓ કરતાં ઘણો ઓછો છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં પાણીની સપાટીમાં ઘટાડો ચાલુ રહ્યો છે અને મૉન્સૂને પાંચ દિવસ વહેલી વિદાય લીધા બાદ પાણીનો સ્ટૉક ૯૫.૫૦ ટકા નોંધાયો છે. રવિવારે સવારે ૬ વાગ્યા સુધીમાં મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં કુલ ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લીટર ઉપયોગી સ્ટૉક કૅપેસિટી સામે ૧૩,૮૨,૨૬૫ મિલ્યન લીટર પાણીનો સ્ટૉક છે એટલે કે મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ તળાવોમાં કુલ ઉપયોગી સ્ટૉક કૅપેસિટીના ૯૫.૫૦ ટકા પાણીનો સ્ટૉક ઉપલબ્ધ છે.
૯૫.૫૦ ટકાનો આ આંકડો વર્ષ ૨૦૨૫ (૯૯.૧૦ ટકા) અને ૨૦૨૪ (૯૯.૪૨ ટકા)માં એ જ દિવસે નોંધાયેલા આંકડાઓ કરતાં ઘણો ઓછો છે. વળી પાણીની સપાટીમાં આ ઘટાડો એવા સમયે થયો છે જ્યારે સામાન્ય તારીખ કરતાં પાંચ દિવસ વહેલા મુંબઈમાંથી નૈઋત્યના મૉન્સૂને વિદાય લીધી છે. મુંબઈ સિટીમાં સામાન્ય કરતાં ૭ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો, જ્યારે મુંબઈના સબર્બ્સ વિસ્તારોમાં સામાન્ય કરતાં ૯ ટકા વધુ વરસાદ નોંધાયો હતો.
આંકડાબાજી
૧૭,૯૦૬
વૉટર લીકેજની આટલી ફરિયાદ BMCને જાન્યુઆરીથી ઑગસ્ટ ૨૦૨૬ સુધીમાં મળી. બધી જ ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો.
૪૦૮૪
આટલાં ગેરકાયદે જોડાણની ફરિયાદ મળી.
૩૮૦૨
આટલાં ગેરકાયદે જોડાણ કાપી નાખવામાં આવ્યાં.
૨૮૨
આટલાં ગેરકાયદે જોડાણને રેગ્યુલરાઇઝ કરવામાં આવ્યાં.
૧૫૧૪
આટલી ફરિયાદ દૂષિત પાણીની મળી હતી, બધી જ ફરિયાદનો ઉકેલ લાવવામાં આવ્યો.
ADVERTISEMENT
સૌથી ઓછો પાણીનો સ્ટૉક મોડકસાગરમાં
BMCના ડેટ મુજબ ૭ જળાશયોમાં મોડકસાગરમાં સૌથી ઓછો સ્ટૉક ૭૫.૧૯ ટકા નોંધાયો હતો. ત્યાર બાદ તાનસામાં ૯૩.૯૧ ટકા સ્ટૉક હતો. અપર વૈતરણામાં પાણીનું સ્તર ૯૬.૬૦ ટકા નોંધાયું હતું, જ્યારે મિડલ વૈતરણામાં એ ૯૯.૬૦ ટકા હતું. ભાતસા તળાવમાં પાણીનું સ્તર ૯૭.૮૨ ટકા નોંધાયું હતું. વિહારમાં ૧૦૦ ટકા અને તુલસીમાં ૯૮.૧૨ ટકા હતું.
આવતા મે મહિના સુધી જ ચાલે એટલું પાણી, લીકેજ બંધ કરવાને પ્રાથમિકતા
મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો સ્ટૉક ઓછો હોવાથી અને એ ઝડપથી ઘટી રહ્યો હોવાથી આ વર્ષે મે મહિના સુધી જ પાણી ચાલી શકે એવી પરિસ્થિતિ છે. એથી BMC દ્વારા મુકાયેલો ૧૦ ટકા પાણીકાપ પાછો નહીં ખેંચાય. જોકે આ સમસ્યાનો કેટલાક અંશે ઉકેલ લાવવા BMCએ પગલાં લેવાનું નક્કી કર્યું છે જેમાં પાઇપલાઇન લીકેજના ફૉલ્ટ શોધી એને બંધ કરવા, ગેરકાયદે જોડાણો પર કાર્યવાહી કરવી જેવાં પગલાંનો સમાવેશ થાય છે. ગેરકાયદે જોડાણો અને લીકેજને કારણે મુંબઈનું ૩૪ ટકા પાણી વેડફાય છે જેનું નિરાકરણ લાવીને મુંબઈને મળતા પાણીના જથ્થાને વધારવાને પ્રાથમિકતા આપવામાં આવશે.
