સુવિધાઓના ઢગલા વચ્ચે પણ ઢગા જ્યારે કંઈ ઉખાડી નથી શકતા ત્યારે તકલીફોના કાળમીંઢ પહાડ વચ્ચે નીરુ ઢાંડા કેવી રીતે એશિયન ગેમ્સમાં પહોંચી અને કેવી રીતે તેણે ગોલ્ડ મેડલ જીતીને દેશનો જ ૪૮ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો એ જાણવા જેવું છે
ભારતને ગૌરવ અપાવનારી નીરુ ગોલ્ડ મેડલ સાથે.
હાથમાં લાગેલી ગ્લુકોઝની બૉટલની સોય, થર્મોમીટર ૧૦૨ ડિગ્રી તાવનો ધગધગતો પારો દેખાડે છે અને આખા શરીર પર લાલચટક ચકામાં. સતત ચકળવકળ થતી આંખો અને વિચારોમાં નરી શૂન્યતા.
જો કોઈ કાચાપોચા મનનું હોય તો તે આ સ્થિતિમાં પલંગ પરથી બેઠા થવાની પણ હિંમત ન કરે. ડૉક્ટરો કહી ચૂક્યા હોય કે ઇન્ફ્લુએન્ઝા-B નામના ભયાનક વાઇરસનું ઇન્ફેક્શન છે. શરીરને અંદરથી તોડી પાડતી આ ભયાનક તકલીફમાં સામાન્ય હલનચલન પણ પીડાદાયક હોય અને એવા સમયે માત્ર ને માત્ર પ્રવાહી પર રહેવાનું અને એ પણ એકધારા પાંચ દિવસ. ગાંડો જ ગણાય તે માણસ જે આ પરિસ્થિતિ વચ્ચે પણ ઊભા થવા વિશે વિચારે. જોકે આપણે વાત કરીએ છીએ એવી પોલાદી મનની વ્યક્તિની જેની આંખો સામે સપનાં સિવાયની બીજી કોઈ વાત નથી.
ADVERTISEMENT

નીરુનાં મમ્મીને દીકરીને ગોલ્ડ મેડલ મળ્યો એના સમાચાર મળ્યા ત્યારે તેઓ રાશનની દુકાને ગયાં હતાં.
એક તરફ હૉસ્પિટલ છે તો બીજી તરફ જપાનના નાગોયા શહેરમાં શરૂ થનારી ૨૦૨૬ની એશિયન ગેમ્સના બાકી રહેલા ગણતરીના કલાકો. એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ઇન્ડિયન પ્લેયર્સ તૈયાર છે, પોતપોતાની રીતે ટીમ ઍરપોર્ટ પર પહોંચી રહી છે અને એ ટીમમાં એક વ્યક્તિ છે નીરુ ઢાંડા. નીરુ હૉસ્પિટલ વચ્ચે લડી રહી છે, પણ ખરા મનની લડત હંમેશાં ચમત્કાર કરવાને સક્ષમ હોય છે અને જ્યારે ઇતિહાસનું સર્જન થવાનું હોય ત્યારે ચમત્કાર થાય જ થાય.
હૉસ્પિટલના બિછાને જીવનનો સૌથી મુશ્કેલ જંગ લડતી નીરુને હલનચલન કરવાની પણ સ્પષ્ટ મનાઈ હતી અને એ પછી પણ તેણે હાર માનવાને બદલે, શરીરની નબળાઈઓને સરેન્ડર થવાને બદલે મનથી જ નિર્ણય કરી લીધો અને ડૉક્ટરને ડિસ્ચાર્જ માટે કહી દીધું. દલીલો થઈ, સમજાવટ થઈ પણ નીરુની એક જ વાત હતી કે તે જપાન જાય છે એ નક્કી છે; જે થવું હોય એ થાય; તેને ફીલ્ડમાં હાર મંજૂર છે, નહીં કે હૉસ્પિટલના બેડ પર.

નીરુ ઢાંડા પરિવાર સાથે આ ઘરમાં રહે છે.
જપાનના વરસાદી વાતાવરણ વચ્ચે જ્યારે ગોલ્ડ મેડલ માટે નિશાન સધાઈ રહ્યું હતું ત્યારે ૨૬ વર્ષની નીરુ ઢાંડાની શૉટગન માત્ર ક્લે ટાર્ગેટને નહોતી વીંધી રહી; તે વર્ષોની પોતાની અને પરિવારની ગરીબી, ઉપેક્ષા અને શારીરિક પીડાના એક-એક ટુકડા કરતી હતી. જ્યારે આખરી શૉટ વાગ્યો અને સ્કોરબોર્ડ પર ૨૮નો આંકડો ઝબક્યો ત્યારે નીરુએ માત્ર નવો એશિયન રેકૉર્ડ નહોતો બનાવ્યો, ભારતીય સ્પોર્ટ્સવર્લ્ડનો ૪૮ વર્ષથી બંધ પડેલો એક મહાકાય દરવાજો ધડાકાભેર ખોલ્યો હતો.
આ રમત હતી ટ્રૅપ શૂટિંગની. આ એક શૉટગન સ્પોર્ટ છે જેમાં કોઈ એક ટાર્ગેટ પરથી છોડવામાં આવતી માટીની ડિસ્કને ટાર્ગેટ કરવાની હોય છે. આ ઊડતા માટીના ઑબ્જેક્ટને વીંધવામાં નીરુ જબરદસ્ત પાવરધી છે.
૧૯૭૮માં મહારાજા રણધીરસિંહે જીતેલા ગોલ્ડ પછી એશિયન ગેમ્સની કોઈ ટ્રૅપ શૂટિંગ ઇવેન્ટમાં ક્યારેય ભારતને વ્યક્તિગત ગોલ્ડ નહોતો મળ્યો તો એક પણ ભારતીય મહિલા ક્યારેય પોડિયમ સુધ્ધાં સુધી પહોંચી નહોતી, પણ નીરુએ એ તમામ સીમાચિહ્નો એકઝાટકે તોડી નાખ્યાં. અલબત્ત, એ સમયે હરિયાણાના જીંદ જિલ્લાના સંગતપુરા નામના ગામના એક નાનકડા ઘરમાં શું હાલત હતી એ પણ જાણવા જેવું છે.
એન્ટ્રી, નીરુના ઘરમાં
હરિયાણાની કડક ખાપ સંસ્કૃતિ ધરાવતા એ નાનકડા ગામના કાચી દીવાલના એક ઓરડાના ઘરમાં ન તો ટીવી છે, ન તો કોઈ પાસે સ્માર્ટફોન. જે ક્ષણે આખી દુનિયામાં તિરંગો લહેરાતો જોઈને ભારતીયો ગર્વથી છાતી ફુલાવતા હતા એ વખતે નીરુનાં માતા સુદેશદેવી હાથમાં ગરીબીરેખા હેઠળનું રૅશનકાર્ડ લઈને સરકારી રૅશનની દુકાને ઘઉં લેવા માટે લાઇનમાં ઊભાં હતાં.
હા, આ સત્ય છે.
લાઇનમાં ઊભાં હતાં ત્યારે સુદેશદેવીના જૂના કી-પૅડવાળા સાદા ફોનની રિંગ વાગી અને અજાણ્યા નંબર પરથી એક જર્નલિસ્ટે તેમને ન્યુઝ આપ્યા કે માજી, તમારી દીકરી નીરુ એશિયન ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગઈ છે.
એ સમયે તે માનું રીઍક્શન શું હશે એની કલ્પના થઈ શકે?
સુદેશદેવીએ જવાબ આપ્યો હતો, ‘અમારા ખાતામાં એક પૈસો નથી, ઘરમાં ટીવી નથી અને મારી દીકરી ગોલ્ડ લઈ આવી?’
આ દેશની આ જ સચ્ચાઈ છે.
નીરુના ૫૬ વર્ષના પપ્પા સુરેશ ઢાંડા પાસે બે એકર જમીન છે, ૩ ભેંસ છે જેનું દૂધ દોહીને ડેરીએ ભરાવવાનું અને એમાંથી ઘર ચાલે. બે એકર જમીનમાં જે પાક થાય છે એ પાકથી તો માંડ ઘરનું અનાજ નીકળે છે. બાકીના પૈસા તો જમીનની જાળવણીમાં અને બિયારણ ખરીદવામાં તથા મજૂરોને પૈસા ચૂકવવામાં જ ખતમ થઈ જાય છે.
૩ ભાઈ-બહેનોમાં નીરુ બીજો નંબર. પહેલાં તે સ્કૂલ અને રાજ્યસ્તરે કબડ્ડી રમતી. શૂટિંગ એ તો રજવાડાંની, અમીરોની રમત ગણાય. એક-એક કારતૂસની કિંમત જ્યાં દૂધના કેન જેટલી થતી હોય અને ગનની કિંમત લાખોની હોય ત્યારે ગરીબીરેખાથી પણ નીચે જીવતો પરિવાર એ દિશામાં વિચારી પણ કેવી રીતે શકે?

નીરુનો પરિવાર ખેતી અને પશુપાલન કરીને ગુજરાન ચલાવે છે.
એન્ટ્રી, નીરુની શૂટિંગમાં
૨૦૧૮ની એશિયન ગેમ્સમાં નીરુની માસીના દીકરા લક્ષ્ય શીઓરન શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો. ઘરમાં આવેલા એ મેડલે નીરુના મનમાં આગ લગાવી અને તેણે ફૅમિલીમાં કહ્યું કે મારે પણ શૂટિંગ કરવું છે. લોકો હસ્યા, ગામવાળાઓએ ટોણા માર્યા કે ખાવાના સાંસા છે ને છોકરીને બંદૂક પકડાવવી છે. જોકે બીજી માસીના દીકરા અને જાણીતા કુસ્તીબાજ સોમવીરે બહેનની આંખોમાં ધગશની આગ જોઈ.
સોમવીર નીરુને ગામના તળાવે લઈ ગયો. ત્યાં પતરાના ખાલી ડબ્બા ગોઠવ્યા અને દેશી બંદૂક આપીને કહ્યું કે જોઈએ તારી આંખ અને હાથનું નિશાન કેવું છે!
નીરુએ પહેલી જ ટ્રાયલમાં પતરાના ડબ્બા હવામાં ઉડાડી દીધા.
એ પહેલો સંકેત કે આ છોકરીના હાથમાં માત્ર બંદૂક નથી, એક અચૂક દૃષ્ટિ છે.
નીરુ પાસે ગન ખરીદવાના પૈસા નહોતા એટલે લક્ષ્ય પાસેથી ઉછીની બંદૂક અને ઉછીના કારતૂસ લઈને ખેતરોમાં ખાલી ટિન કે કેન પર નિશાન સાધવાની પ્રૅક્ટિસ ચાલતી રહી. સામાન્ય રીતે શૂટિંગમાં ખેલાડીઓ ૧૧-૧૨ વર્ષની વયે ટ્રેઇનિંગ શરૂ કરતા હોય છે, જ્યારે નીરુએ છેક ૧૯ વર્ષની ઉંમરે ગંભીરતાથી શરૂઆત કરી.
એન્ટ્રી, નીરુની કરીઅરમાં
૨૦૧૯માં નીરુને ખબર પડી કે ભોપાલમાં આવેલી મધ્ય પ્રદેશ શૂટિંગ ઍકૅડેમી ખેલાડીઓને મફત ગન અને તાલીમ આપે છે. પરિવાર અને સગાંસંબંધીઓના વિરોધ વચ્ચે નીરુ ભોપાલ પહોંચી ગઈ. તેણે સિલેક્શન ટ્રાયલમાં તમામને સ્તબ્ધ કરી દીધા. સંઘર્ષના એ કપરા દિવસોમાં જ્યારે પણ પરિવાર આર્થિક તંગીથી ભાંગી પડતો ત્યારે નીરુ તેની માને કહેતી કે તું માત્ર મારા પર ભરોસો રાખ, દુનિયા શું કહે છે એ ભૂલી જા.
દીકરીની આ જીદ સામે પરિવારે દૂધ વેચીને પણ તેને ટેકો આપ્યો, પરંતુ આર્થિક તંગીનો કાયમી ઉકેલ ત્યારે આવ્યો જ્યારે ભારતીય સેનાએ મહિલાઓની ભરતી શરૂ કરી. નીરુ કૉર્ઝ ઑફ મિલિટરી પોલીસમાં જોડાઈ. આર્મીની કડક શિસ્ત અને દેશદાઝના માહોલે નીરુને અત્યંત ઘાતક શૂટરમાં ટ્રાન્સફર કરી દીધી. આજે તે ભારતીય સેનામાં નાયબ સૂબેદાર તરીકે ફરજ બજાવે છે. નીરુ કહે છે, ‘જો હિંમત હોય તો ભગવાન બધા રસ્તા ખોલી દેતા હોય છે. મારી સાથે એવું જ થયું છે અને મેં એ દરેક પળે અનુભવ્યું છે.’
એન્ટ્રી, એ ફાઇનલમાં
આગળ વાત કરી એમ જપાનમાં રમાનારી એશિયન ગેમ્સ માટે નીરુ સિલેક્ટ તો થઈ, પણ તબિયતે આખી બાજી બગાડી નાખવાનો મૂડ બનાવી લીધો. જોકે ફરી એક વાર નીરુએ સાબિત કર્યું કે મન હોય તો માળવે જવાય.
એશિયન ગેમ્સની ફાઇનલમાં નીરુ સામે ચીન અને તાઇવાનના વર્લ્ડ ચૅમ્પિયન્સ હતા. નીરુ ક્વૉલિફિકેશનમાં ૧૧૮ હિટ્સ સાથે ટૉપ પર હતી. જોકે ફાઇનલનો જંગ માત્ર આંકડાનો નથી હોતો, એમાં માનસિક મનોબળની પણ એટલી જ જરૂર પડે છે. ક્રિકેટમાં જેમ નર્વસ નાઇન્ટી શબ્દ બહુ પૉપ્યુલર છે એવી જ રીતે શૂટિંગ ગેમ્સમાં ડી-ફોકસિંગ બહુ પૉપ્યુલર શબ્દ છે. ફાઇનલ સમયે પ્લેયર ડી-ફોકસ થાય એવું અઢળક વખત બન્યું છે.
ફાઇનલ રાઉન્ડ શરૂ થયો અને માટીની પ્લેટો સામે નીરુએ શૉટગન ખભા પર ટેકવીને છાતીમાં ઊંડો શ્વાસ ભર્યો અને ટ્રિગર દબાવ્યું.
છેલ્લી ૧૦ ગોળીમાંથી માત્ર એક જ વાર નિશાન ચૂક્યું, બાકીના નવેનવ ટાર્ગેટ પ્લેટમાં નીરુની છાપ છોડતા ગયા. વ્યક્તિગત ગોલ્ડ જીત્યા પછી નીરુએ અટક્યા વિના બીજા જ દિવસે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં કિનાન ચેનાઈ સાથે મળીને ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો, જ્યારે મહિલા ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો.
જે દીકરીના ઘરમાં ક્યારેય ટીવી નહોતું તે દીકરીનો હસતો ચહેરો આખા દેશના કરોડો ટીવી-સ્ક્રીન પર ચમકતો હતો. નીરુ ઢાંડાએ સાબિત કરી દેખાડ્યું કે ચમત્કારો આકાશમાંથી નથી ટપકતા, એ તો તળાવના પાળે ઉછીની બંદૂકથી પતરાના ડબ્બા વીંધતી અડગ મનોબળ ધરાવતી દીકરીની આંખોમાં આકાર લેતા અને પછી દેશ માટે સાકાર થતા હોય છે.
