વીજબિલનો મેસેજ આવ્યા પછી એ નંબર પર સંપર્ક કરતાં સાઇબર ગઠિયાએ તેમની પાસે એટીએમ પિન અને ઓટીપી માગીને અકાઉન્ટમાંથી ૩.૨૭ લાખ રૂપિયા ઉપાડી લીધા
પ્રતીકાત્મક તસવીર
ચારકોપ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝનને વીજબિલ ભરવાનો મેસેજ આવ્યો હતો, જેમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં સાઇબર ગઠિયાએ તેમની પાસે એટીએમ પિન અને ઓટીપી માગીને અકાઉન્ટમાંથી ૩.૨૭ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. પૈસા કપાવાના એક પછી એક મેસેજ મળતાં તેમણે તરત ચારકોપ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
કાંદિવલીના ચારકોપમાં હિન્દુસ્તાન નાકા વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના દલસુખ સંઘવીએ કરેલી ફરિયાદ અનુસાર પાંચમી ડિસેમ્બરે તેમને ફોન પર મેસેજ પ્રાપ્ત થયો હતો કે નવેમ્બર મહિનાનું વીજબિલ ભરાયું ન હોવાથી વીજપુરવઠો કાપી નાખવામાં આવશે. એ સાથે એ મેસેજમાં નંબર પણ આપવામાં આવ્યો હતો. આપેલા નંબર પર તરત દલસુખભાઈએ ફોન કર્યો હતો. ફોન ઉપાડવામાં આવતાં સામેવાળી વ્યક્તિએ અદાણી ઇલેક્ટ્રિસિટીમાંથી બોલી રહી હોવાનું કહ્યું હતું અને કહ્યું કે તમારું વીજબિલ હજી ભરાયું નથી એટલે તમારું લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવશે અને ૧૦,૦૦૦ રૂપિયાનો ફાઇન પણ લગાવવામાં આવશે એટલે જો તમારે લાઇટનું કનેક્શન કપાવવું ન હોય તો ઑનલાઇન પેમેન્ટ કરો. એ પછી સાઇબર ભામટાએ તેમની પાસેથી એટીએમ પિન અને ઓટીપી લીધો હતો. એની થોડી જ વારમાં તેમના અકાઉન્ટમાંથી એક પછી એક એમ કુલ મળીને ૩.૨૭ લાખ રૂપિયા કપાઈ ગયા હતા. ત્યાર પછી તેમણે ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ચારકોપ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિનિયર સિટિઝનના અકાઉન્ટમાંથી પૈસા ત્રણ અલગ-અલગ અકાઉન્ટમાં ગયા હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. એ પૈસા અટકાવવાની કોશિશ હાલમાં કરવામાં આવી રહી છે.’


