૫ જૂને મહિલા ડૉક્ટરે વેસ્ટ રીજન સાઇબર પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરતાં જણાયું હતું કે સ્કૅમર્સે ૮૨ લાખ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી લઈ લીધી છે.
પ્રતીકાત્મક તસવીર
મની-લૉન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનું જણાવીને સાઇબર ક્રિમિનલે ૭૦ વર્ષનાં મહિલા ડૉક્ટર પાસેથી ૩ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. ટેલિકૉમ કંપનીના અધિકારી બનીને સ્કૅમરે મહિલા ડૉક્ટરને કહ્યું હતું કે તેમની અંગત માહિતી ધરાવતું સિમ કાર્ડ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલું છે. એના થોડા દિવસ પછી ક્રાઇમ બ્રાન્ચ ઑફિસર સમાધાન પવારના નામે તેમને કૉલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે તેમનું બૅન્ક-અકાઉન્ટ અને ડેબિટ કાર્ડની ડીટેલ એક ઍર લાઇન્સ કંપનીના માલિકના ઘરે રેઇડ પાડી એમાંથી મળી આવી છે. ઍર લાઇન્સ કંપનીના માલિક અગાઉ મની-લૉન્ડરિંગ કેસમાં જેલમાં હતા, અત્યારે તે જામીન પર બહાર આવ્યા છે.
આઠ દિવસ સુધી આ મહિલા ડૉક્ટરને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના વિવિધ બનાવટી અધિકારીઓના ફોન આવતા રહ્યા અને તપાસ માટે તેમને વિડિયો-સર્વેલન્સમાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યાં છે એમ જણાવવામાં આવ્યું હતું. દર કલાકે તેમને વિડિયો-કૉલ કરવામાં આવતો હતો તેમ જ આ સમયગાળા દરમ્યાન તેમની પાસેથી ૩ કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. ૫ જૂને મહિલા ડૉક્ટરે વેસ્ટ રીજન સાઇબર પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરતાં જણાયું હતું કે સ્કૅમર્સે ૮૨ લાખ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી લઈ લીધી છે. આ કેસમાં વધુ તપાસ કરીને પૈસા પરત મેળવવાનો પ્રયત્ન ચાલુ છે એમ પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું.

