અંદાજે ૧૦ કરોડ રૂપિયાનો ગોટાળો કરવાના આરોપ બાદ પોલીસે ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર સહિત બીએમસીના બે અધિકારી સામે એફઆઇઆર નોંધ્યો
કિશોરી પેડણેકર
કોવિડ મહામારીમાં મૃત્યુ પામેલા દરદીઓના મૃતદેહના નિકાલ માટે ખરીદવામાં આવેલાં કૉફિનની ખરીદી કરવામાં કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આરોપ થયા બાદ મુંબઈ પોલીસે ગઈ કાલે મુંબઈનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર સહિત બીએમસીના બે અધિકારી સામે એફઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે વિધાનસભામાં કૌભાંડ કરનારા કોઈને પણ બક્ષવામાં નહીં આવે એવું નિવેદન આપ્યા બાદ ગઈ કાલે આર્થિક ગુનાશાખા દ્વારા આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં આ એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. ૧,૩૫૦ રૂપિયાની કિંમતનું એક કૉફિન બીએમસી દ્વારા એક પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટર પાસેથી ૬,૭૧૯ રૂપિયામાં ખરીદવા માટે તત્કાલીન મેયર કિશોરી પેડણેકરે આગ્રહ રાખ્યો હોવાનો આરોપ છે. બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ આ કહેવાતા કૌભાંડના ડૉક્યુમેન્ટ્સ પોલીસને સોંપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ પોલીસના આર્થિક ગુનાશાખા દ્વારા ગઈ કાલે બીએમસીનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર, બીએમસીના ઍડિશનલ કમિશનર પી. વેલારાસુ અને અસિસ્ટન્ટ કમિશનર રમાકાંત બિરાદર સામે કોવિડના સમયમાં કોવિડથી મૃત્યુ પામનારા લોકોના મૃતદેહના નિકાલ માટે બીએમસી દ્વારા કૉફિન એટલે કે બૉડી બૅગ માર્કેટ કરતાં ઘણી ઊંચી કિંમતે એક પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટર પાસેથી ખરીદવામાં આવી હોવા સંબંધી એફઆઇઆર આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
ADVERTISEMENT
બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ગયા મહિને પોલીસમાં આ સંબંધે ફરિયાદ નોંધાવી હતી. સાથે તેમણે કેટલાક ડૉક્યુમેન્ટ્સ પણ પોલીસને સોંપ્યા હતા. આથી આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી સામે આઇપીસીની કલમ ૪૨૦ અને ૧૨૦ અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
કિરીટ સોમૈયાએ એક વિડિયો દ્વારા માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે બૉડી બૅગની ખરીદી કરવામાં કૌભાંડ કરવામાં આવ્યું હોવા સંબંધી ફરિયાદ જુલાઈ મહિનામાં પોલીસમાં નોંધાવી હતી. ૧,૩૫૦ રૂપિયાની એક બૉડી બૅગ આરોપીઓએ ૫,૬૧૯ રૂપિયામાં ખરીદી હતી. આમ કરીને તેમણે કરોડો રૂપિયાનું ફન્ડ સેરવી લીધું છે. અમારી ફરિયાદને ધ્યાનમાં રાખીને પોલીસે કિશોરી પેડણેકર, ઍડિશનલ કમિશનર પી. વેલારાસુ અને અસિસ્ટન્ટ કમિશનર રમાકાંત બિરાદર સામે એફઆઇઆર નોંધ્યો છે. આ મામલામાં અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ પણ દરોડા પણ પાડ્યા હતા.’
મુંબઈનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે જોકે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને આ પોલીસ-ફરિયાદ વિશે કંઈ ખબર નથી અને પોલીસે કયા આધારે ફરિયાદ નોંધી છે એ પણ ખ્યાલ નથી.


