કૅરટેકર પણ વૅનમાં હાજર નહોતી, લોકોએ ગુસ્સામાં તોડફોડ કરી
પ્રતીકાત્મક તસવીર
બદલાપુર-વેસ્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્કૂલથી ઘરે પાછા ફરતી વખતે સ્કૂલની વૅનમાં ૪ વર્ષની બાળકી પર બળાત્કાર થયો હોવાની ચકચારી ઘટના બની છે. સ્કૂલની વૅનના ચાલકે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસતપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે આપેલી માહિતી મુજબ રોજ સ્કૂલની જે વૅનમાં બાળકી જતી હતી એ જ વૅનના ડ્રાઇવરે તેને ઘરે મૂકતાં પહેલાં તેના પર જાતીય હુમલો કર્યો હતો. બાળકીએ ઘરે પહોંચ્યા પછી તેના પેરન્ટ્સને આ બાબતે જણાવ્યું હતું. તેણે એવું પણ કહ્યું કે આરોપીએ તેને મારીને તેના કુકર્મ વિશે કોઈને જાણ ન કરવાની ધમકી આપી હતી. આ બનાવ બન્યો ત્યારે વૅનમાં મહિલા કૅરટેકર પણ હાજર નહોતી.
ADVERTISEMENT
આ ઘટનાની જાણ થતાં ગુસ્સે ભરાયેલા પેરન્ટ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બદલાપુરમાં અગાઉ પણ આવી જ ઘટના બની હતી. લોકોએ વૅનની તોડફોડ કરીને રોષ ઠાલવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને બાળકીની મેડિકલ તપાસ હાથ ધરી છે.


