નખમાં પણ રોગ ન ધરાવતા જિગર ગાલાને દુકાનમાં અચાનક જ હાર્ટ-અટૅક આવ્યો અને જીવ ગુમાવી દીધો

અંધેરીમાં રહેતા જિગર ગાલાએ દુકાનમાં જમતાં-જમતાં હાર્ટ-અટૅક આવતાં જીવ ગુમાવ્યો હતો
સાદગીનું જીવન જીવતા, બહારનું ખાવાનું પણ ઓછું ખાતા અને કોઈ પણ પ્રકારની પારિવારિક કે પોતાને પણ બીમારી ન હોવા છતાં ૩૯ વર્ષના ક્રૉફર્ડ માર્કેટના વેપારીએ દુકાનની અંદર જ જીવ ગુમાવી દીધો હતો. અંધેરી-ઈસ્ટમાં નાગરદાસ રોડ પર રહેતા જિગર ગાલા દરરોજની જેમ દુકાન પર ગયા હતા અને રાબેતા મુજબ પોતાનું કામકાજ કરીને બપોરે ત્રણ વાગ્યે જમવા બેઠા હતા. એ વખતે તેમના સગા ભાઈની સામે જ તેઓ જમતાં-જમતાં ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ જીવ ગુમાવી દીધો હતો. અચાનક દુકાનની અંદર બૂમાબૂમ થઈ ગઈ હતી અને જે બન્યું એની સામે કોઈને વિશ્વાસ બેસી રહ્યો નહોતો.
આ બનાવ વિશે માહિતી આપતાં જિગર ગાલાના ભાઈ દિવેશ ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૦૦૯થી હું અને ભાઈ ક્રૉફર્ડ માર્કેટમાં હોમ ડેકોર, ઑફિસ ડેકોર વગેરેમાં ઉપયોગ આવતી વસ્તુઓની દુકાન ધરાવીએ છીએ. ભાઈ હેલ્થ પ્રત્યે ધ્યાન આપવાની સાથે સાદગીભર્યું જીવન જીવીને સાદું ભોજન ખાતા હતા. દરરોજ સવારે ઘરેથી નીકળીને ૧૧ વાગ્યે સાઉથ મુંબઈ ઑફિસે પહોંચી જતા હતા. સોમવારે પણ ઘરેથી નીકળ્યા અને શૉપ પર પહોંચીને કામકાજ કરી રહ્યા હતા. બપોરે અમે સાથે જમવા બેઠા હતા. એ વખતે અચાનક શું થયું કે તેઓ જમતાં-જમતાં સીધા નીચે પડી ગયા હતા. અમે બૂમો પાડતા રહ્યા અને તેમણે જીવ ગુમાવી દીધો હતો. ભાઈને બે બાળકો છે. તેમને કોઈ શારીરિક સમસ્યા પણ નહોતી, છતાં અચાનક હાર્ટ-અટૅક આવતાં આ રીતે જીવ ગુમાવ્યો હોવાથી અમે કંઈ વિચારી પણ શકી રહ્યા નથી.’