એકસાથે ૩૮ અપક્ષ ઉમેદવારોને પોતાના પક્ષમાં ખેંચી લઈને BJP અને કૉન્ગ્રેસને ચોંકાવી દીધાં
એકનાથ શિંદે
રાજ્યની ૨૯ મહાનગરપાલિકામાં ૧૫ જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની છે એ પહેલાં જ એકનાથ શિંદેએ મોટી ગેમ કરી નાખી છે. લાતુર મહાનગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ૩૮ ઉમેદવારો એકસાથે હવે શિવસેનામાં જોડાયા છે. એકનાથ શિંદેએ આમ કરીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસ બન્નેને ચોંકાવી દીધાં છે.
લાતુર મહાનગરપાલિકામાં કુલ ૭૦ બેઠકો છે અને BJP દરેક બેઠક પર સ્વતંત્ર રીતે લડી રહી છે. કૉન્ગ્રેસે વંચિત બહુજન આઘાડી (VBA) સાથે યુતિ કરી છે જેમાં કૉન્ગ્રેસ ૬૫ અને VBA પાંચ બેઠકો પરથી ઝુકાવશે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) ૬૦ બેઠકો પરથી લડી રહી છે, જ્યારે ૧૦ બેઠકો પર એણે અન્ય ઉમેદવારોને સપોર્ટ જાહેર કર્યો છે. NCP-SP ૧૭ બેઠકો પરથી લડી રહી છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ ૧૧ ઉમેદવારો ઊભા રાખ્યા છે. શિવસેના (UBT) જૂથના ૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ૯ ઉમેદવારો સાથે લડી રહી છે.


