2006 Mumbai Train Blast: મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો; ૧૨ આરોપીઓને દોષિત ઠેરવતા ખાસ અદાલતના ચુકાદાને રદ કર્યો છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૦૦૬માં મુંબઈમાં થયેલા ટ્રેન બ્લાસ્ટ (2006 Mumbai Train Blast)એ આખા શહેરને હચમચાવી નાખ્યું હતું. જેમાં ૧૮૯ લોકોના મોત થયા હતા અને ૮૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. મુંબઈ (Mumbai)ને હચમચાવી નાખનાર આ દુર્ઘટનાના ૧૯ વર્ષ પછી બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ આજે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા તમામ ૧૨ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. ૨૦૧૫માં, ટ્રાયલ કોર્ટે આ ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમાંથી પાંચને મૃત્યુદંડ અને બાકીનાને આજીવન કેદની સજા ફટકારી હતી. હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ૧૨ આરોપીઓમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે બાકીના ૧૧ આરોપીઓને મુક્ત કરવામાં આવશે.
ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ શ્યામ ચાંડકની ખાસ બેન્ચે નીચલી કોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો. બેન્ચે કહ્યું કે, ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. હાઇકોર્ટે પાંચ મહિના પહેલા આ કેસનો નિર્ણય અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, ‘ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. એ માનવું મુશ્કેલ છે કે આરોપીઓએ ગુનો કર્યો છે. તેથી તેમની સજા રદ કરવામાં આવે છે.’ બેન્ચે કહ્યું કે, તે પાંચ દોષિતોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા અને બાકીના સાત દોષિતોને આપવામાં આવેલી આજીવન કેદની સજાને યથાવત રાખશે નહીં. કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે કહ્યું કે, જો આરોપીઓ અન્ય કોઈ કેસમાં વોન્ટેડ ન હોય તો તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવા જોઈએ.
ADVERTISEMENT
આ કેસની સુનાવણી જાન્યુઆરી ૨૦૨૫માં પૂર્ણ થઈ હતી. ત્યારથી કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. યરવડા, નાસિક, અમરાવતી અને નાગપુર જેલમાં બંધ આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટે દોષિતોની અપીલ સ્વીકારી જ નહીં, પરંતુ મૃત્યુદંડની પુષ્ટિ માટે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી હતી. હાઇકોર્ટની વિશેષ બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય નથી અને ઘણા સાક્ષીઓની જુબાની શંકાના દાયરામાં હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આરોપીઓના નિવેદનો બળજબરીથી દબાણ કરીને લેવામાં આવ્યા હતા, જે કાયદેસર રીતે માન્ય નથી.
બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, આરોપીઓ સામે રજૂ કરાયેલા પુરાવાઓમાં ગંભીર ખામીઓ હતી. આરોપીઓની ઓળખ પરેડ પર સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું કે, કેટલાક સાક્ષીઓ વર્ષો સુધી ચૂપ રહ્યા અને પછી અચાનક આરોપીને ઓળખી કાઢ્યો, જે અસામાન્ય છે. બ્લાસ્ટના ૧૦૦ દિવસ પછી સામાન્ય માણસ માટે શંકાસ્પદ વ્યક્તિને યાદ રાખવું સ્વાભાવિક નથી.
કોર્ટે આ કેસની તપાસ દરમિયાન મળેલા બોમ્બ, હથિયારો, નકશા વગેરે પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે, આ સામગ્રીની રિકવરી અંગે કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
આરોપીઓ વતી કેસ ચલાવી રહેલા વરિષ્ઠ વકીલ યુગ મોહિત ચૌધરીએ કહ્યું કે, આ નિર્ણય વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહેલા તમામ લોકો માટે આશાનું કિરણ છે. તે જ સમયે, સરકારી વકીલ રાજા ઠાકરેએ પણ આ નિર્ણયને `માર્ગદર્શક` ગણાવ્યો છે.
૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ સાંજે મુંબઈ લોકલ ટ્રેનમાં આ બોમ્બ વિસ્ફોટ થયા હતા. તે દિવસે ટ્રેનના સાત કોચમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં ૧૮૯ મુસાફરો માર્યા ગયા હતા અને ૮૨૪ લોકો ઘાયલ થયા હતા. ૨૦૧૫માં ટ્રાયલ કોર્ટે પાંચ લોકોને મૃત્યુદંડ અને સાતને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં, મહારાષ્ટ્ર ATS એ કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે ૧૫ લોકોને ફરાર જાહેર કર્યા હતા. તેમાંથી ઘણા પાકિસ્તાની નાગરિક હોવાની શંકા હતી. તપાસ એજન્સીએ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (MCOCA) અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) એક્ટ (UAPA) હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં નવેમ્બર ૨૦૦૬માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ પછી, ૨૦૧૫માં ટ્રાયલ કોર્ટે ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આમાંથી પાંચને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે સાતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ હવે હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.


