દારૂ અને ગાંજાના નશામાં બાઇક ચલાવતી વખતે સ્ટન્ટ કરવામાં એ સ્કિડ થઈ ગઈ, પાછળ બેઠેલા પરમ સોની માટે આ ઍક્સિડન્ટ જીવલેણ નીવડ્યો
પરમ સોની અને જેનો અકસ્માત થયો હતો એ બાઇક.
મલાડ-વેસ્ટના ખોત ડોંગરી વિસ્તારમાં રહેતા ૧૬ વર્ષના પરમ રાજેશ સોનીનું ૬ એપ્રિલે રાતે થયેલા રોડ-ઍક્સિડન્ટ બાદ ૭ એપ્રિલે હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે ગઈ કાલે પરમના બાવીસ વર્ષના મિત્ર આદિત્ય થાપા વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. છઠ્ઠી એપ્રિલે રામનવમીના દિવસે પરમ તેના મિત્રો સાથે બાઇક પર શોભાયાત્રા જોવા ગયો હતો. શોભાયાત્રા પૂરી થયા બાદ પરમ આદિત્યની બાઇકની પાછળ બેસીને ઘરે આવી રહ્યો હતો ત્યારે મલાડના MTNL જંક્શન નજીક આદિત્યની બાઇક સ્કિડ થતાં અકસ્માત થયો હતો. અકસ્માત વખતે આદિત્યએ દારૂ-ગાંજાનો નશો કર્યો હતો. એ ઉપરાંત આદિત્ય બાઇક પર સ્ટન્ટ કરી રહ્યો હતો એટલે આદિત્યને કારણે જ પરમનો જીવ ગયો હોવાનો દાવો પરમના પરિવારે કર્યો છે એટલું જ નહીં, ૧૪ દિવસ બાદ પોલીસે તપાસ કરીને મૃત્યુ માટે જવાબદાર આદિત્ય સામે ફરિયાદ નોંધતાં પરિવારજનોને ન્યાય મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પરમે થોડા વખત પહેલાં દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને એનું રિઝલ્ટ આવવાનું બાકી છે. પરમનું સપનું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) બનવાનું હતું એમ તેના કાકા વિક્રમ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી અનુસાર અમે શરૂઆતમાં આકસ્મિક મૃત્યુની નોંધ કરી હતી પણ પછીથી આદિત્યની બેદરકારી વિશે જાણ થતાં અમે તેની સામે ફરિયાદ નોંધી છે એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર રોહન આહિરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં આદિત્ય પણ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. તેને ડિસ્ચાર્જ મળ્યા બાદ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. જે બાઇકનો અકસ્માત થયો હતો એ જપ્ત કરવામાં આવી છે.’

