થાણે-કલ્યાણ સ્લો કૉરિડોર પર ૮ સ્ટેશન અને કલ્યાણ-કસારા/કર્જત/ખોપોલી રૂટ પર ૨૪ સ્ટેશન છે. ૩૪ સ્ટેશન પર કુલ ૨૬ પ્લૅટફૉર્મને વિસ્તારવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં ૧૫ ડબ્બાની ટ્રેનો દોડાવવાની માગણી લાંબા સમયથી ચાલી રહી છે. આ માગણી ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં પૂરી થાય એવી શક્યતા છે. સેન્ટ્રલ રેલવેનાં ૩૪ સ્ટેશનો આ મહિનાના અંત સુધીમાં ૧૫ ડબ્બાની ટ્રેનોને સમાવી શકવા સક્ષમ બનશે, જેને કારણે ટ્રેનોમાં વધુ પડતી ભીડની સમસ્યા અમુક અંશે ઉકેલાશે.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ માહિતી આપી હતી કે ‘૩૪ સ્ટેશનો પર પ્લૅટફૉર્મની લંબાઈ વધારવામાં આવશે. એમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)–કલ્યાણ ફાસ્ટ કૉરિડોર પર બે સ્ટેશન છે. થાણે-કલ્યાણ સ્લો કૉરિડોર પર ૮ સ્ટેશન અને કલ્યાણ-કસારા/કર્જત/ખોપોલી રૂટ પર ૨૪ સ્ટેશન છે. ૩૪ સ્ટેશન પર કુલ ૨૬ પ્લૅટફૉર્મને વિસ્તારવામાં આવશે.’
ADVERTISEMENT
CSMT-કલ્યાણ ફાસ્ટ કૉરિડોર પરનાં બન્ને સ્ટેશનો પર ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં ૧૫ ડબ્બાની ટ્રેનો ઊભી રહી શકશે એવી શક્યતા ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવી હતી. બાકીનાં સ્ટેશનો પર કામ પૂરું કરવા માટે પણ ૩૧ ઑગસ્ટ સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આાવી છે, પરંતુ આ સમયમર્યાદા લંબાઈ શકે છે.


