૭ એન્જિન અને ૩૫૪ બોગી ધરાવતી માલગાડીની લંબાઈ ૪.૫ કિલોમીટર
રુદ્રાસ્ત્ર ગુડ્સ ટ્રેન એશિયાની સૌથી લાંબી ગુડ્સ ટ્રેન
માલગાડી સંચાલન ક્ષેત્રે ભારતીય રેલવેના ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ડિવિઝન (DDU)એ ગુરુવારે એક રેકૉર્ડ કર્યો હતો. આ ડિવિઝને રુદ્રાસ્ત્ર નામની એશિયાની ૪.૫ કિલોમીટર લાંબી માલગાડી સફળતાપૂર્વક ચલાવી હતી. હવે DDU ડિવિઝનથી ધનબાદ ડિવિઝનમાં ઝડપી લોડિંગ અને પરિવહન વધુ ઝડપથી સંભવ બનશે. આ માલગાડીને લીધે કોલસા અને અન્ય માલગાડીઓના પરિવહન પણ વધુ સરળ તથા ઝડપી બનશે.
આ સંદર્ભમાં DDU ડિવિઝનના ડિવિઝનલ રેલવે મૅનેજર ઉદય સિંહ મીણાએ જણાવ્યું હતું કે ‘આ એક નવો પ્રયોગ છે. આનાથી સંસાધનો અને સમય બન્ને બચશે. ભારતીય રેલવેને આનો ફાયદો થશે. રેલવેના રેકૉર્ડ મુજબ રુદ્રાસ્ત્ર ગુડ્સ ટ્રેન એશિયાની સૌથી લાંબી ગુડ્સ ટ્રેન છે. આ ગુડ્સ ટ્રેનમાં ૩૫૪ બોગી હતી. આ સૌથી લાંબી ગુડ્સ ટ્રેન ગુરુવારે ચંદૌલીના ગંજ ખ્વાજા રેલવે સ્ટેશનથી ગઢવા ઝારખંડ સુધી દોડાવવામાં આવી હતી. એણે બે સ્ટેશનો વચ્ચેનું ૨૦૯ કિલોમીટરનું અંતર પાંચ કલાક ૧૦ મિનિટમાં કાપ્યું હતું. સાંજે ૭.૩૦ વાગ્યે ગઢવા રોડ રેલવે સ્ટેશન પહોંચ્યા પછી એને ધનબાદ ડિવિઝનમાં પ્રવેશ મળ્યો હતો. એની સરેરાશ સ્પીડ ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાક હતી.


