ટ્રાફિક-પોલીસે સોશ્યલ મીડિયામાં વિડિયો વાઇરલ થયા પછી ફટકાર્યો ૨૩,૫૦૦ રૂપિયાનો દંડ અને સ્કૂટર કર્યું જપ્ત
સ્કૂટર પર સ્ટન્ટબાજી કરતો છોકરો અને ટ્રાફિક-પોલીસ પાસે ઊભેલા દાદા.
કલ્યાણના ખડકપાડા વિસ્તારમાં સગીર વયના ૪ છોકરાઓ દ્વારા સ્કૂટર પર જોખમી રીતે સ્ટન્ટબાજી કરવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ટ્રાફિક-પોલીસ ઍક્શન મોડમાં આવી છે. કલ્યાણના ટ્રાફિક વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્કૂટર જપ્ત કર્યું હતું. પોલીસતપાસમાં બહાર આવ્યું છે કે આ સ્કૂટર ૧૩ વર્ષનો એક સગીર છોકરો ચલાવી રહ્યો હતો. તે તેના દાદા શ્રીરામ રાઠોડની જાણ બહાર ચાવી લઈને મિત્રો સાથે નીકળ્યો હતો. સગીર પૌત્રની આ જોખમી સ્ટન્ટબાજીને કારણે ટ્રાફિક-પોલીસે મોટર વાહન અધિનિયમ હેઠળ દાદાને કુલ ૨૩,૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કલ્યાણના ટ્રાફિક વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૯ મેએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં સ્કૂટર પર ૪ સગીર છોકરાઓ હેલ્મેટ વગર ઓવરલોડિંગ સાથે ખૂબ જ બેદરકારીપૂર્વક વાહન ચલાવતા નજરે પડ્યા હતા. આ મામલાને ગંભીરતાથી લઈને વાહનના નંબરના આધારે અમે માલિકની શોધખોળ શરૂ કરી હતી. તપાસના અંતે અમારી ટીમ શ્રીરામ રાઠોડ સુધી પહોંચી હતી, જેમણે સ્વીકાર્યું હતું કે વિડિયોમાં દેખાતો છોકરો તેમનો પૌત્ર છે. સગીર વયના બાળકને વાહન ચલાવવા આપવું, લાઇસન્સ ન હોવું, ઇન્શ્યૉરન્સ ન હોવું અને ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ અમે તેમની સામે કાર્યવાહી કરી છે.’
ADVERTISEMENT
સ્કૂટરના ૬ માલિક
આ કેસની તપાસ દરમ્યાન સ્કૂટરની માલિકીનો આશ્ચર્યજનક ખુલાસો પણ થયો હતો. આ સ્ટન્ટબાજ સ્કૂટર અત્યાર સુધીમાં કુલ ૬ માલિક બદલી ચૂક્યું છે. મૂળ માલિક આદિત્ય આખવે પાસેથી શરૂ થયેલી આ સફર વિવિધ ડીલરો અને ખરીદદારોના માધ્યમથી પાંચ લોકો પાસેથી પસાર થઈને હાલ બેતુરકર પાડાના શ્રીરામ રાઠોડ પાસે પહોંચી હતી. નવાઈની વાત એ છે કે આટલા માલિકો બદલાયા હોવા છતાં RTO રેકૉર્ડમાં હજી સુધી માલિકીહક ટ્રાન્સફર કરવામાં આવ્યો નહોતો. હાલ આ સ્કૂટર અમે જપ્ત કરી લીધું છે.’
