આજથી પાલઘર જિલ્લામાં વરસાદનું જોર ઘટવાની શક્યતા
આવું રિસ્ક લેવાય?
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં અતિશય ભારે વરસાદને કારણે છેલ્લા ૩ દિવસથી જનજીવન ખોરવાયું છે. દહાણુ અને તલાસરી તાલુકામાં આભ ફાટ્યું હોય એવો વરસાદ ખાબકતાં અનેક ગામો જળમગ્ન થયાં છે. બે દિવસમાં ૩ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ટીમ (NDRF)ની બે ટીમોએ બે દિવસની બચાવ-કામગીરીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ ૧૦૫૫ લોકોને બચાવ્યા છે. સુરક્ષાનાં કારણોસર જિલ્લાની સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને શુક્રવારે પણ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. અગાઉ એક નાળામાંથી વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે રહેવાસીઓને થયેલા નાણાકીય અને મિલકતના નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે પંચનામું (સ્થળ-નિરીક્ષણ) કરવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
ફાર્મહાઉસ, ફૅક્ટરી અને બસમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા
ગુરુવારે રાતે કરવામાં આવેલા ઑપરેશનમાં જિલ્લાભરમાં પાણી ભરાયેલાં વિવિધ સ્થળોએથી ૨૪૪ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આમાં પાલઘર શહેરના ૧૨૪, તલાસરીમાં એક ફૅક્ટરીમાં ફસાયેલા ૬૫ કામદારો અને ગુંદેલમાં એક ફાર્મહાઉસમાં ફસાયેલા ૨૫ લોકોનો સમાવેશ થતો હતો.
પાલઘરના એક ગામમાં વધતા પૂરના પાણીમાં ફસાયેલી બસમાં ૪ મુસાફરો સહિત ૬ લોકો ફસાયા હતા. સ્થાનિક રહેવાસીઓ ફરી મદદ માટે આગળ આવ્યા હતા અને તેમને દોરડા વડે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પૂરનાં પાણી ઓસરતાં અસરગ્રસ્ત રસ્તાઓ અને પુલો પર વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો.
ADVERTISEMENT
પાલઘર જિલ્લાનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની એક બસ પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી વખતે ડૂબી ગઈ છે અને એના પૅસેન્જરો ધીમે-ધીમે નીકળી એની છત પર ચડીને પોતાનો જીવ બચાવે છે. દૂરથી આ વિડિયો લેનાર કહેતો સંભળાય છે કે બસ-ડ્રાઇવરે આટલું બધું રિસ્ક લેવાની જરૂર નહોતી.
અંધેરી-ઈસ્ટમાં પમ્પહાઉસ પાસે ભેખડ ધસી પડી
મુંબઈમાં ગઈ કાલે પોરો ખાધો એ પહેલાં વરસાદે જોરદાર રમઝટ બોલાવી હતી. ગુરુવારે અંધેરી-ઈસ્ટમાં હાઇવે પાસે પમ્પહાઉસ નજીક ભેખડ અને માટી ધસી પડ્યાં હતાં અને ત્યાર બાદ હાઇવે પર પડ્યાં હતાં. સદ્નસીબે એ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. આ ઘટનાની માહિતી મળતાં શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય મુરજી પટેલ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ફાયરબ્રિગેડ તથા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓને બોલાવીને માટી અને ભેખડના ટુકડા હટાવ્યા હતા.
સોનુને ત્યાં આવી ચડ્યો સાપ

ફિલ્મ અભિનેતા સોનુ સૂદના બંગલા ‘મંગલ કિરણ’ના ગાર્ડનમાં ગઈ કાલે બપોરે એક વાગ્યે સાપ દેખાયો હતો. ત્યાર બાદ સર્પમિત્ર વિકી દુબેને જાણ કરાઈ હતી. વિકી દુબેએ તરત જ બંગલા પર પહોંચી જઈ એ સાપને કોઈ પણ ઈજા કર્યા વગર સાવચેતીથી ઝડપી લીધો હતો. એ બિનઝેરી ધામણ જાતિનો સાપ હતો. એથી સોનુ સૂદે પણ અેને હાથમાં લીધો હતો અને ત્યાર બાદ અેને થેલામાં પૅક કરવામાં મદદ કરી હતી. ત્યાર બાદ એ સાપને સુરિક્ષત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો.
