યોજના એવા લોકો પર લાગુ થશે જેઓ પ્રવાસી (B-2) અથવા વ્યવસાય (B-1) વીઝા પર અમેરિકા આવે છે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું પ્રશાસન અમેરિકામાં વીઝા ઓવરસ્ટે રોકવા માટે એક નવી યોજના શરૂ કરશે, જે હેઠળ કેટલાક વિદેશી નાગરિકોએ અમેરિકા આવતાં પહેલાં ૧૫,૦૦૦ અમેરિકન ડૉલર (આશરે ૧૨.૫ લાખ રૂપિયા) સુધીનો બેઇલ બૉન્ડ જમા કરાવવો પડી શકે છે. આ યોજના એવા લોકો પર લાગુ થશે જેઓ પ્રવાસી (B-2) અથવા વ્યવસાય (B-1) વીઝા પર અમેરિકા આવે છે.
આ બેઇલ બૉન્ડ કોણે આપવો પડશે?
ADVERTISEMENT
આ નિયમ એ દેશોના નાગરિકો પર લાગુ થઈ શકે છે જ્યાંથી આવતા લોકોના વીઝા ઓવરસ્ટે (એટલે કે નિર્ધારિત સમય કરતાં વધુ સમય રહેવા)ના કેસ વધુ હોય છે. જે દેશોમાં નાગરિકતા સરળતાથી આપવામાં આવે છે અથવા જ્યાં સ્ક્રીનિંગ અને તપાસ-પ્રણાલી નબળી માનવામાં આવે છે એવા દેશના લોકો માટે આ નિયમ લાગુ થશે. જોકે અમેરિકાએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે આ યોજનામાં કયા દેશોનો સમાવેશ કરવામાં આવશે, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે યોજના લાગુ થયાના ઓછામાં ઓછા ૧૫ દિવસ પહેલાં દેશોની યાદી જાહેર કરવામાં આવશે.
કેટલી રકમ આપવી પડશે?
આ કિસ્સામાં કૉન્સ્યુલર ઑફિસર નક્કી કરશે કે કયા અરજદારે કેટલી જામીન રકમ આપવી પડશે. આ રકમ ઓછામાં ઓછી ૫૦૦૦ ડૉલર, ૧૦,૦૦૦ ડૉલર અને મહત્તમ ૧૫,૦૦૦ ડૉલર સુધીની હોઈ શકે છે. જો વ્યક્તિ સમયસર અમેરિકાથી પાછી ફરે છે તો આ રકમ પાછી આપવામાં આવશે. આ યોજના આ મહિનાથી અમેરિકામાં શરૂ થઈ રહી છે. એની ટ્રાયલ ૧૨ મહિના સુધી ચાલશે અને ૨૦૨૬ની પાંચમી ઑગસ્ટ સુધી અમલમાં રહેશે.


