Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને થૂંકેલું ચાટવાનો વારો

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને થૂંકેલું ચાટવાનો વારો

Published : 22 November, 2026 11:26 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતને ડેડ ઇકૉનૉમી ગણાવી હતી, હવે તેમની સેન્ટ્રલ બૅન્કને ભારતના GDPના આંકડા પર નજર રાખવા કહ્યું

ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ


ભારતીય અર્થતંત્રને ‘ડેડ ઇકૉનૉમી’ ગણાવનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને હવે અમેરિકાની સેન્ટ્રલ બૅન્ક ફેડરલ રિઝર્વની ટીકા કરતી વખતે પણ ભારતના ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના આંકડાને ટાંકવાનો વારો આવ્યો હતો. અમેરિકામાં મજબૂત આર્થિક આંકડા નોંધાયા હોવા છતાં વ્યાજદરો વધારવા બદલ અમેરિકાની ફેડરલ રિઝર્વની રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ટીકા કરી હતી.

આ મુદ્દે વાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘રાજકીય પ્રભાવ હેઠળની ફેડરલ રિઝર્વને કારણે અમેરિકામાં વ્યાજદરો ખૂબ ઊંચા છે. જો વ્યાજદરો ઘટાડવામાં આવે તો દેશનો GDP વૃદ્ધિદર ૧૫થી ૨૦ ટકા સુધી પહોંચી શકે છે. હું એના ચૅરમૅનને દોષ નથી આપી રહ્યો, હું તો એ હકીકતને દોષ આપી રહ્યો છું કે આપણી ‘ફેડ’ ખૂબ જ રાજકીય છે.’,



ટ્રમ્પના ઉગ્ર વિરોધ છતાં ફેડરલ રિઝર્વે ૨૦૨૩ પછી પ્રથમ વખત સપ્ટેમ્બરમાં વ્યાજદરોમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો એના પછી ટ્રમ્પની આ કમેન્ટ આવી છે. ફેડના અધ્યક્ષ કેવિન વૉર્શે ફુગાવાને નાથવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે ફેડના બે ટકાના લક્ષ્યાંક કરતાં વધુ છે.


ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે ‘જ્યારે દેશ મજબૂત આર્થિક કામગીરી નોંધાવી રહ્યો છે ત્યારે પણ ફેડરલ રિઝર્વ વ્યાજદરો વધારીને અમેરિકાની આર્થિક ક્ષમતાને ઘટાડી રહ્યું છે, જે દેશનો વિનાશ કરી રહ્યું છે. આપણે દેશને બરબાદ કરવા માટે આવું કરી રહ્યા છીએ. અને જ્યારે આપણી પાસે આવા ઉત્તમ આંકડા છે ત્યારે વ્યાજદરો વધારવાનું ચાલુ રાખવું ન જોઈએ, આપણે વ્યાજદરો ઘટાડવા જોઈએ, કારણ કે હવે આપણી શાખ વધુ સારી છે.’

ડોનલ્ડ ટ્રમ્પે ભારતનું ઉદાહરણ આપતાં નીચા વ્યાજદર અને ૭ ટકા GDP વૃદ્ધિદરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સૂચવ્યું હતું કે આવી જ નીતિ અપનાવીને અમેરિકા પણ નોંધપાત્ર રીતે ઊંચો વૃદ્ધિ દર હાંસલ કરી શકે છે. આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે ‘તમે ભારત તરફ જુઓ, ત્યાં વ્યાજદરો નીચા છે અને GDP વૃદ્ધિદર ૭ ટકા છે. આપણે ૧૪ ટકા, ૧૫ ટકા કે કદાચ ૨૦ ટકા સુધીનો GDP વૃદ્ધિદર મેળવી શકીએ એમ છીએ. જ્યારે તમે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હો અને ત્યારે જ તેઓ (ફેડરલ રિઝર્વ) વ્યાજદરો વધારી દે એ ખરેખર દુઃખદ બાબત છે. હકીકત એ છે કે આપણે એ અવરોધોને પાર કરી ગયા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 11:26 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK