ડોનલ્ડ ટ્રમ્પના બર્થરાઇટ સિટિઝનશિપ ઑર્ડર પર ફરી પાછો રાષ્ટ્રવ્યાપી સ્ટે, એક મહિનામાં ત્રીજી વખત કોર્ટ તરફથી ઝટકો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકામાં જન્મ લેતા કોઈ પણ બાળકને અમેરિકાનું જન્મજાત નાગરિકત્વ આપતા કાયદાને મર્યાદિત કરતા અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઑર્ડરને એક મહિના કરતાં ઓછા સમયમાં ત્રીજી વખત દેશભરમાં રોકી દેવામાં આવ્યો છે. બૉસ્ટનમાં એક ફેડરલ જજ દ્વારા આપવામાં આવેલા તાજેતરના ચુકાદામાં માઇગ્રન્ટ લોકોનાં અમેરિકામાં જન્મેલાં બાળકોના અધિકારોનું રક્ષણ કરવા માટે ન્યાયતંત્રની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. જૂનમાં સુપ્રીમ કોર્ટના એક મહત્ત્વપૂર્ણ નિર્ણય પછી આ ત્રીજી વખત કોર્ટના ચુકાદાએ જન્મજાત નાગરિકત્વના આદેશને અવરોધિત કર્યો છે.
સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પે આ એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, પણ જૂનમાં સુપ્રીમ કોર્ટના એક મહત્ત્વપૂર્ણ નિર્ણય પછી દેશભરમાં જન્મજાત નાગરિકત્વના અધિકારના આદેશને અવરોધિત કરતો કોર્ટનો ત્રીજો ચુકાદો જાહેર કર્યો છે. ચુકાદામાં ટ્રમ્પના આદેશને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યો છે. આ મુદ્દે ન્યુ જર્સીના ઍટર્ની જનરલે જણાવ્યું હતું કે અમેરિકામાં જન્મેલાં બાળકો અમેરિકન છે, જેમ તેઓ આપણા દેશના ઇતિહાસમાં દરેક સમયે રહ્યાં છે.


