બર્ટોસાએ ભારતીય સ્ટાફના ટ્રાફિકિંગ અને શોષણ બદલ હિન્દુજા પરિવારને સાડાપાંચ વર્ષની જેલની સજા ફટકારવાની વિનંતી કરી હતી.
હિન્દુજા પરિવાર
ભારતીય મૂળનો અબજોપતિ હિન્દુજા પરિવાર સ્વિટ્ઝરલૅન્ડમાં કાનૂની મુશ્કેલીમાં અટવાઈ ગયો છે. હિન્દુજા પરિવાર પર આરોપ છે કે તેમણે સ્વિટ્ઝરલૅન્ડના લેક જીનિવા વિલામાં ભારતીય સ્ટાફને બંધક બનાવીને તેમનું શોષણ કર્યું હતું. ફરિયાદી યવેસ બર્ટોસાએ કોર્ટમાં કહ્યું હતું કે અબજોપતિ હિન્દુજા પરિવાર તેમના સ્ટાફને જેટલા પૈસા આપતો હતો એના કરતાં વધારે તો તે તેમના ડૉગી પર ખર્ચ કરતો હતો. બર્ટોસાએ ભારતીય સ્ટાફના ટ્રાફિકિંગ અને શોષણ બદલ હિન્દુજા પરિવારને સાડાપાંચ વર્ષની જેલની સજા ફટકારવાની વિનંતી કરી હતી.
તેમણે હિન્દુજા પરિવારનો ઊધડો લેતાં કહ્યું હતું કે ‘હિન્દુજા ફૅમિલી માટે કામ કરતી એક મહિલાનો આરોપ છે કે તેને સાતેસાત દિવસ ૧૮ કલાક કામ કરવું પડતું હતું અને રોજના માત્ર ૬૫૬ રૂપિયાની સૅલેરી મળતી હતી. બીજી તરફ હિન્દુજા પરિવાર તેમના પાલતુ કૂતરા પર રોજના ૨૨૦૦ એટલે કે વર્ષે ૮ લાખથી વધુ રૂપિયા ખર્ચ કરતો હતો. આ ઉપરાંત તેમણે સ્ટાફના પાસપોર્ટ પણ જપ્ત કરી લીધા હતા.’ જોકે હિન્દુજા પરિવારે આ આરોપોનું ખંડન કર્યું છે.

