ટ્વિટરે થ્રેડ્સ બદલ મેટા પ્લૅટફૉર્મ્સની વિરુદ્ધ લીગલ ઍક્શન લેવાની ધમકી આપી
પ્રતીકાત્મક તસવીર
ટ્વિટરને જબરદસ્ત કૉમ્પિટિશન આપવા માટે મેટા પ્લૅટફૉર્મ્સે એનું નવું થ્રેડ્સ પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું છે. જોકે ઇન્ટરનેટની દુનિયાની આ લડાઈ કોર્ટરૂમમાં પહોંચી શકે છે. ટ્વિટરે થ્રેડ્સ બદલ મેટા પ્લૅટફૉર્મ્સની વિરુદ્ધ લીગલ ઍક્શન લેવાની ધમકી આપી છે. ટ્વિટરના લૉયર એલેક્સ સ્પિરો દ્વારા ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગને એક લેટર મોકલવામાં આવ્યો છે.
મેટાએ બુધવારે થ્રેડ્સને લૉન્ચ કરી હતી અને એણે ઑલરેડી ત્રણ કરોડથી વધારે યુઝર્સ મેળવ્યા છે. ઇન્સ્ટાગ્રામના અબજો યુઝર્સનો લાભ લઈને થ્રેડ્સ ઇલૉન મસ્કના ટ્વિટરનો જોરદાર મુકાબલો કરવા માટે સજ્જ હોય એમ જણાય છે.
સ્પિરોએ તેમના લેટરમાં ટ્વિટરનાં ટ્રેડ સીક્રેટ્સ અને અન્ય અત્યંત સીક્રેટ માહિતીનું એક્સેસ ધરાવતા ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીઓને હાયર કરવાનો મેટા પર આરોપ મૂક્યો હતો.
ADVERTISEMENT
સ્પિરોએ આ લેટરમાં વધુ લખ્યું હતું કે ‘ટ્વિટરનો એના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સનો સ્ટ્રિક્ટ્લી અમલ થાય એવો હેતુ છે. મેટા ટ્વિટરનાં ટ્રેડ સીક્રેટ કે અન્ય અત્યંત સીક્રેટ માહિતીનો ઉપયોગ બંધ કરવા માટે તાત્કાલિક પગલાં લે એવી ટ્વિટર માગણી કરે છે.’
મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને થ્રેડ્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘થ્રેડ્સની એન્જિનિયરિંગ ટીમમાં એક પણ જણ ટ્વિટરનો ભૂતપૂર્વ કર્મચારી નથી.’ દરમ્યાન ટ્વિટરના બૉસ મસ્કે કહ્યું હતું કે ‘કૉમ્પિટિશન બરાબર છે, પરંતુ ચીટિંગ યોગ્ય નથી.’


