અમેરિકન પ્રેસિડન્ટે બળને બદલે કળથી કામ કઢાવવા NATOના ચીફ સાથે ગ્રીનલૅન્ડ ડીલનું ફ્રેમવર્ક બનાવવાની તૈયારીઓ શરૂ કરી
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં લાંબું ભાષણ આપીને ગ્રીનલૅન્ડ મામલે અચાનક જ કૂણું વલણ દાખવવાનું શરૂ કરી દીધું છે. ગ્રીનલૅન્ડ જોરજબરદસ્તીથી નહીં મેળવું એવું કહેનારા ટ્રમ્પે યુરોપિયન દેશો પર લગાવેલી ૧૦ ટકા ટૅરિફ પણ હટાવી લેવાની જાહેરાત કરી છે. આ ટૅરિફ પહેલી ફેબ્રુઆરીથી લાગુ થવાની હતી. ટ્રમ્પે દાવોસમાં નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO)ના ચીફ માર્ક રૂટ સાથે વાતચીત કર્યા પછી આ નિર્ણય લીધો હતો. પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા પ્લૅટ-ફૉર્મ ટ્રુથ સોશ્યલ પર ટ્રમ્પે લખ્યું હતું, ‘મેં NATOના માર્ક રૂટ સાથે મીટિંગ કરી. આ બેઠકમાં અમે ગ્રીનલૅન્ડ અને સમગ્ર આર્કટિક ક્ષેત્ર સાથે જોડાયેલા ભવિષ્યના સોદાઓનું ફ્રેમવર્ક નક્કી કર્યું. જો આ સમજણકરાર પૂરો થયો તો અમેરિકા અને તમામ NATO દેશો માટે એ બહુ ફાયદાકારક રહેશે. એ સમજના આધારે હું અત્યારે પહેલી ફેબ્રુઆરીથી લાગુ થનારી ટૅરિફ નહીં લગાવું.’
ગ્રીનલૅન્ડ ડીલનું ફ્રેમવર્ક શું છે એ હજી જાહેર કરવામાં નથી આવ્યું. જોકે કેટલાંક સ્થાનિક મીડિયાનો દાવો છે કે આ ફ્રેમવર્ક અંતર્ગત અમેરિકાને ગ્રીનલૅન્ડના કેટલાક સીમિત વિસ્તારોમાં પોતાનો સૈન્ય-બેઝ બનાવવાની અનુમતિ આપવામાં આવી શકે છે. આ બેઝનો ઉપયોગ જમીન, સમુદ્ર અને ઍરસ્પેસ એમ ત્રણેય મોરચે નિગરાની અને સુરક્ષા માટે થશે.


