આ મુદ્દે ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ પર લખ્યું હતું કે ‘મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને વિશ્વસનીય શક્તિશાળી નેતૃત્વ પર ખૂબ ગર્વ છે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની વિનંતી બાદ પાકિસ્તાને ભારત સામે યુદ્ધવિરામ તો જાહેર કર્યો, પણ ત્રણ જ કલાકમાં ફરી ભારત પર હુમલા ચાલુ રાખ્યા હતા. જોકે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કર્યા પછી ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘હું તમારી બન્ને (ભારત અને પાકિસ્તાન) સાથે મળીને કામ કરીશ કે જેથી હજાર વર્ષ પછી કાશ્મીર વિશે કોઈ ઉકેલ આવી શકે. હું આ બન્ને મહાન રાષ્ટ્રો સાથે વેપારમાં પણ નોંધપાત્ર વધારો કરવા જઈ રહ્યો છું.’
આ મુદ્દે ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ પર લખ્યું હતું કે ‘મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને વિશ્વસનીય શક્તિશાળી નેતૃત્વ પર ખૂબ ગર્વ છે, કારણ કે તેમની પાસે એવી શક્તિ, શાણપણ અને હિંમત છે કે તેઓ સંપૂર્ણપણે જાણી શકે છે અને સમજી શકે છે કે હાલના હુમલાને રોકવાનો સમય આવી ગયો છે જે ઘણા બધા લોકોનાં મૃત્યુ અને વિનાશ તરફ દોરી શકે છે. લાખો સારા અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોત. તમારાં બહાદુર કાર્યોથી તમારો વારસો ખૂબ જ ઉન્નત થયો છે. મને ગર્વ છે કે અમેરિકા તમને આ ઐતિહાસિક અને પરાક્રમી નિર્ણય સુધી પહોંચવામાં મદદ કરી શક્યો. ચર્ચા ન થઈ હોવા છતાં હું આ બન્ને મહાન રાષ્ટ્રો સાથે વેપારમાં નોંધપાત્ર વધારો કરવા જઈ રહ્યો છું. વધુમાં હું બન્ને સાથે કામ કરીશ કે જેથી હજાર વર્ષ પછી કાશ્મીર વિશે કોઈ ઉકેલ આવી શકે. ભારત અને પાકિસ્તાનના નેતૃત્વએ સારી રીતે કરેલા આ કામ માટે ભગવાન આશીર્વાદ આપે.’


