દીવાલો પર ખાલિસ્તાનતરફી અને ભારતવિરોધી સ્લોગન્સ લખવામાં આવ્યાં
દીવાલો પર ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી સ્લોગન્સ
અમેરિકા, કૅનેડા અને ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુ મંદિરોને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. હવે કૅલિફૉર્નિયામાં એક સ્વામીનારાયણ મંદિરની દીવાલો પર ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી સ્લોગન્સ લખી એને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. અમેરિકાના કૅલિફૉર્નિયાના સિટી નેવાર્કના સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થાની દીવાલો પર લખવામાં આવેલા વાંધાજનક લખાણના ફોટોગ્રાફ્સને હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશન દ્વારા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરવામાં આવ્યા છે.
આ ઇમેજીઝમાં મંદિરની દીવાલો પર ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ સ્લોગન્સ જોવા મળે છે. હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું છે કે આ મંદિરમાં આવતા લોકોના મનમાં હિંસાનો ડર જગાવવા માટે કદાચ ધિક્કારભર્યા આ મેસેજીઝ લખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
નેવાર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ અને જસ્ટિસ સિવિલ રાઇટ્સ ડિવિઝન ડિપાર્ટમેન્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભારતે આ ઘટના સામે સખત વાંધો ઉઠાવ્યો છે.
એક્સ પ્લૅટફૉર્મ પર ઇન્ડિયન એમ્બેસીએ લખ્યું હતું કે ‘નેવાર્ક, કૅલિફૉર્નિયામાં એસએમવીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરની દીવાલો પર સ્પ્રેથી લખવામાં આવેલા વાંધાજનક લખાણનો અમે સખત વિરોધ કરીએ છીએ. આ ઘટનાથી ભારતીયોની લાગણીઓને ઠેસ પહોંચી છે. અમે આ મામલે અમેરિકન ઑથોરિટીઝ દ્વારા ઝડપી તપાસ કરવામાં આવે એવો આગ્રહ રાખીએ છીએ.’
અમેરિકા અને કૅનેડામાં આ રીતે અનેક હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે. ભારતે આ પહેલાં ખાલિસ્તાનીઓની વધતી ગતિવિધિ પ્રત્યે વાંધો ઉઠાવ્યો છે.
