ગયા અઠવાડિયે પ્રાણીઓ માટેનો સૂકો ખોરાક લઈને જઈ રહેલી ટ્રકમાં અચાનક જ આગ લાગી ગઈ હતી.
આ ટ્રક-ડ્રાઇવરે જબરદસ્ત બહાદુરી બતાવી હતી
સાઉદી અરેબિયાના રિયાધમાં એક પેટ્રોલ-સ્ટેશન પાસે એક મોટો અકસ્માત થતો બચાવવા માટે એક ટ્રક-ડ્રાઇવરે જબરદસ્ત બહાદુરી બતાવી હતી. એમાં તેનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. ગયા અઠવાડિયે પ્રાણીઓ માટેનો સૂકો ખોરાક લઈને જઈ રહેલી ટ્રકમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. એ વખતે એ એક પેટ્રોલ-પમ્પ પાસે ઊભી હતી. જો એ આગનો જરાસરખો તણખો પણ પેટ્રોલ-પમ્પને લાગત તો જબરદસ્ત ભયાનક બ્લાસ્ટ થાત અને મોટી હોનારત સર્જાઈ જાત. એવા સમયે મહેર ફહાદ અલ દલબાહી નામનો એક માણસ અચાનક એ સળગતી ટ્રકમાં ચડી જાય છે અને એને ચલાવીને પેટ્રોલ-પમ્પથી દૂર લઈ જાય છે. આ ઘટનાનો વિડિયો નજીકના કૅમેરામાં કેદ થઈ ગયો છે. એમાં જોઈ શકાય છે કે ટ્રકમાં આગ લાગેલી જોઈને ડ્રાઇવર નીચે ઊતરીને ભાગી જાય છે, પણ આ હીરોભાઈ સળગતી ટ્રકમાં ચડી જાય છે. અલ દલબાહી કહે છે, ‘હું એ વખતે મારા ગામ જઈ રહ્યો હતો ત્યારે દુકાન પર ચીજો લેવા માટે ઊભો રહ્યો હતો. મેં ટ્રકમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ. ડ્રાઇવર એ આગ બુઝાવવામાં અસફળ રહ્યો હતો. મને એ વખતે પેટ્રોલ-પમ્પ અને ત્યાં ઊભેલા ઘણા લોકોનો જીવ જોખમમાં લાગતાં હું સળગતી ટ્રકમાં ચડી ગયો અને ફ્યુઅલ ટૅન્કથી સેફ ડિસ્ટન્સ સુધી ડ્રાઇવ કરીને ટ્રક દૂર છોડી આવ્યો હતો.’


