યુદ્ધનાં બે વર્ષ પૂરાં થયાં એની પૂર્વસંધ્યાએ યુક્રેનના પ્રેસિડન્ટે જાહેર કર્યા વૉરમાં માર્યા ગયેલા સૈનિકોના આંકડા
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી
કીવ : રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ૩૧,૦૦૦ યુક્રેનિયન સોલ્જર્સ માર્યા ગયા છે એવું યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું. ઝેલેન્સ્કીએ કીવમાં એક ન્યુઝ કૉન્ફરન્સ દરમ્યાન પહેલી વાર યુક્રેનના સૈનિકોના મૃત્યુનો સત્તાવાર આંકડો જાહેર કર્યો હતો. ૨૬ ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને બે વર્ષ પૂરાં થયાં હતાં. યુક્રેનના પ્રમુખે જણાવ્યું હતું કે ‘આ યુદ્ધમાં ૩૧,૦૦૦ સૈનિકો માર્યા ગયા છે. ૩,૦૦,૦૦૦ નહીં, ૧,૫૦,૦૦૦ પણ નહીં. રશિયન પ્રમુખ પુતિન અને તેમનું સર્કલ આ બાબતે જુઠ્ઠાણું ફેલાવે છે. અમારા દરેક સૈનિકે મહાન બલિદાન આપ્યું છે.’
ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તેઓ ઘાયલ અથવા ગુમ થયેલા સૈનિકોની સંખ્યા જાહેર કરશે નહીં. યુક્રેનના ઑક્યુપાઇડ એરિયામાં હજારો નાગરિકો માર્યા ગયા હતા, પણ યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ કરવામાં નહીં આવે. ઝેલેન્સ્કીએ ઉમેર્યું હતું કે યુદ્ધમાં ૧,૮૦,૦૦૦ રશિયનો માર્યા ગયા હતા. બીજી તરફ રશિયાએ યુદ્ધમાં માર્યા ગયેલા તેના સૈનિકોનો આંકડો જાહેર નથી કર્યો, કારણ કે એ આ બાબતને ગુપ્ત માહિતી માને છે. બન્ને દેશો એકબીજાની મિલિટરી લૉસનો આંકડો હંમેશાં મોટો હોવાનો દાવો કરે છે.

