ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે યુરેનિયમ સપ્લાય પરની વાતચીત લગભગ ફાઇનલ, દ્વિપક્ષીય વેપાર પાંચ અબજ ડૉલર સુધી પહોંચવાનું ધ્યેય
ગઈ કાલે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના હસ્તે નરેન્દ્ર મોદીને ૩૬મું આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ સન્માન મળ્યું હતું.
ઉઝબેકિસ્તાનની બે દિવસની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે તાશ્કંદમાં દેશનું સર્વોચ્ચ સન્માન ‘ઓલિય દરાજાલી દોસ્તલિક’ ઑર્ડર એનાયત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શૌકત મિઝિયોયેવ દ્વારા મળેલા આ સન્માન બદલ વડા પ્રધાને ઉઝબેકિસ્તાનની જનતાનો આભાર માન્યો હતો.
નરેન્દ્ર મોદીની તાશ્કંદ મુલાકાત દરમ્યાન બન્ને દેશો વચ્ચે સંરક્ષણ અને વેપાર ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતીઓ થઈ હતી. ભારતની પરમાણુ ઊર્જાની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા ઉઝબેકિસ્તાન સાથે યુરેનિયમની સપ્લાય માટે લાંબા ગાળાનો ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ, વેપાર, રોકાણ અને ઊર્જાક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
