૨૦ વર્ષથી પોતાના દેશમાં લોકતાંત્રિક અધિકારોને પ્રોત્સાહન આપવા અને તાનાશાહીમાંથી લોકતંત્ર તરફ શાંતિપૂર્ણ બદલાવના સંઘર્ષ બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું
મારિયા કોરિના મચાડો
કી હાઇલાઇટ્સ
- ટ્રમ્પની આશાઓ પર પાણી ફરી વળ્યું, માગવા છતાં નોબેલ ન જ મળ્યો
- ટ્રમ્પને નોબેલ ન મળતાં વાઇટ હાઉસ ભડક્યું, કહ્યું પીસ કરતાં પૉલિટિક્સને વધુ મહત્ત્વ અપાયું
- નોબેલ શાંતિ પુરસ્કાર હું ડોનલ્ડ ટ્રમ્પને ડેડિકેટ કરું છું : મારિયા
આખરે જેની છેલ્લા ઘણા મહિનાથી રાહ જોવાઈ રહી હતી એ ઘડી આવી ગઈ. અનેક વાર અલગ-અલગ પ્લૅટફૉર્મ પર નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે દાવો કરી ચૂકેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે એને બદલે નોબેલ સમિતિએ વેનેઝુએલાનાં વિરોધ પક્ષનાં મારિયા કોરિના મચાડોને શાંતિ પુરસ્કાર આપ્યો હતો. તેમણે વધતી જતી તાનાશાહીના અંધકારમાં પણ લોકતંત્રની જ્યોત જલાવી રાખી છે.
કોણ છે મારિયા કોરિના મચાડો?
ADVERTISEMENT
નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૫નાં વિનર મારિયા કોરિના મચાડોને વેનેઝુએલાનાં આયર્ન લેડી પણ કહેવામાં આવે છે. તેઓ પૉલિટિશ્યન છે અને ૨૦૧૩માં નૅશનલ કો-ઑર્ડિનેટર ઑફ વેન્ટે વેનેઝુએલા પાર્ટીની સ્થાપના કરી હતી. તેમણે સ્વતંત્ર ચૂંટણીઓને પ્રોત્સાહન આપતાં નાગરિક સંગઠનો અને લોકતાંત્રિક પરિવર્તનોની હિમાયત કરતા ગઠબંધનની સ્થાપના કરવામાં મદદ કરી હતી. અમેરિકી રાજ્યનાં સંગઠનોમાં થઈ રહેલા માનવાધિકારોના હનનની નિંદા કરવા બદલ ૨૦૧૪માં તેમને સંસદમાંથી નિષ્કાર્ષિત કરવામાં આવ્યાં હતાં. તેમના પર રાજદ્રોહ, ષડ્યંત્ર અને રાજનીતિક અયોગ્યતાના આરોપો પણ લાગ્યા હતા. આમ છતાં એની સામે લડીને પણ તેમણે લોકતંત્રની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. આ પહેલાં તેમને ૨૦૧૮માં BBCનાં સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં સ્થાન મળ્યું હતું. લિબરલ ઇન્ટરનૅશનલ ફ્રીડમ અવૉર્ડ (૨૦૧૯) સહિત અનેક પુરસ્કારો મળ્યા છે.
પુરસ્કારમાં શું અને ક્યારે મળશે?
મારિયા મચાડોને ૧૦ ડિસેમ્બરે ઓસ્લોમાં નોબેલ શાંતિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે. એમાં ૧.૨ મિલ્યન ડૉલરની રાશિ પણ મળશે. આ દિવસે સ્વીડિશ ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ છે. ૧૯૮૫માં તેમણે પોતાની વસિયત થકી આ પુરસ્કારોની સ્થાપના કરી હતી.
ટ્રમ્પને નોબેલ ન મળતાં વાઇટ હાઉસ ભડક્યું, કહ્યું... પીસ કરતાં પૉલિટિક્સને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું
ડોનલ્ડ ટ્રમ્પને માગ્યા પછી પણ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર વાઇટ હાઉસે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે નોબેલની પૅનલ પર નિશાન સાધીને કહ્યું હતું કે પૅનલે યોગ્યતાને બદલે રાજનીતિને વધુ મહત્ત્વ આપ્યું છે. વાઇટ હાઉસના પ્રવક્તા સ્ટીવન ચેઉંગે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ શાંતિ-સમાધાનો કરાવતા રહેશે, યુદ્ધ સમાપ્ત કરાવતા રહીને લોકોના જીવ બચાવવાનું ચાલુ રાખશે. તેમની અંદર એક માનવતાવાદી હૃદય છે. તેમના જેવું કોઈ નથી જે પોતાની દૃઢ ઇચ્છાશક્તિથી પર્વતને પણ હલાવી શકે.’
નોબેલ શાંતિ પુરસ્કાર હું ડોનલ્ડ ટ્રમ્પને ડેડિકેટ કરું છું : મારિયા
વેનેઝુએલાનાં મારિયા કોરિના મચાડોએ નોબેલ શાંતિ પુરસ્કાર અમેરિકાના પ્રેસિડન્ટને સમર્પિત કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘પ્રેસિડન્ટ નિકોલસ મદુરોની તાનાશાહી સામે લડતી વખતે અમારા સાથી અમેરિકાની મદદ હંમેશાં મહત્ત્વની છે. હું આ પુરસ્કાર વેનેઝુએલાના લોકોના દુખ અને પ્રેસિડન્ટ ટ્રમ્પે કરેલા અમારા હેતુ માટે નિર્ણયાત્મક સપોર્ટને ડેડિકેટ કરું છું.’


