આ પ્રતિબંધ લાગે એ પહેલાં ૧૦ લાખ રૂપિયાની ૧૫.૮ ટન કેરીની આયાત નેપાલે કરી હતી.
આ પ્રતિબંધ લાગે એ પહેલાં ૧૦ લાખ રૂપિયાની ૧૫.૮ ટન કેરીની આયાત નેપાલે કરી હતી.
ભારતથી આયાત કરવામાં આવતી કેરીઓ પરનાં પરીક્ષણોમાં જંતુનાશક અવશેષોનું પ્રમાણ માન્ય મર્યાદાથી વધુ હોવાનું જાણવા મળ્યા બાદ નેપાલે ભારતીય કેરીની આયાત પર તાત્પૂરતો પ્રતિબંધ મૂક્યો છે. જપાન દ્વારા આવી જ રીતે કેરીની આયાત પર પ્રતિબંધ મૂક્યા બાદ નેપાલે પણ આ પગલું લીધું છે અને એનાથી વિદેશોમાં કેરીની નિકાસના વેપારને અસર થવાની ધારણા છે.
આ સંદર્ભે નેપાલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મૅક્સિમમ રેસિડ્યુ લિમિટ (MRL)ના નિયમનું પાલન કરવા અને ગ્રાહકોને સંભવિતરૂપે અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનોથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રેગ્યુલેટરી પગલું છે અને એનાથી બેઉ દેશોના વેપારી સંબંધોને કોઈ અસર નહીં પડે.’
મુંબઈ-વડોદરા એક્સપ્રેસવે પર સાઇનબોર્ડમાં મરાઠી લખાણ ન હોવાનો વિરોધ?
ADVERTISEMENT
મુંબઈ-વડોદરા એક્સપ્રેસવે પર દહાણુ તાલુકામાં માહિતી આપતા સાઇનબોર્ડમાં મરાઠી ભાષામાં નામ ન હોવાથી ઉશ્કેરાયેલા એક યુવકે બોર્ડમાં જ્યાં હિન્દીમાં દહાણુ લખ્યું છે ફક્ત ત્યાં જ તોડફોડ કરી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
મુંબ્રાના હુક્કા પાર્લર પર થાણે ક્રાઇમ બ્રાન્ચે રેઇડ પાડી
થાણે ક્રાઇમ બ્રાન્ચના સેન્ટ્રલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટે મુંબ્રાના અમૃતનગરમાં હિલ વ્યુ અપાર્ટમેન્ટમાં ‘અલ્ફાઝ હાઉસ’ નામના હુક્કા પાર્લર પર અચાનક રેઇડ પાડી હતી. પોલીસને વિવિધ બ્રૅન્ડનાં ફ્લેવર્ડ તમાકુનાં ૩૯૦ પૅકેટ, ગેરકાયદે સામગ્રીનાં ૧૨ મોટાં કન્ટેનર મળી આવ્યાં હતાં. બધી વસ્તુઓ તાત્કાલિક પોલીસ-કસ્ટડીમાં લેવામાં આવી હતી. આશરે ૭૬,૧૭૫ રૂપિયાની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
નવી મુંબઈના પાવર-કટથી લોકો અકળાયા અને ઊકળી ઊઠ્યા
નવી મુંબઈના કામોઠે, ઉલવે, ઘણસોલી, વાશી, તુર્ભે, કોપરખૈરણે જેવા વિસ્તારોમાં ઘણા સમયથી કલાકો સુધી અને ખાસ કરીને રાતના સમયે વીજળી ગુલ થઈ જવાની સમસ્યાથી ત્રાસી ગયેલા લોકોએ રસ્તા પર આવીને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) વિરુદ્ધ સોમવારે રાત્રે પ્રદર્શન કર્યું હતું. કામોઠે અને ઉલવેમાં હજારોની સંખ્યામાં રહેવાસીઓ રસ્તા પર ઊતર્યા હતા અને MSEDCLનો હુરિયો બોલાવ્યો હતો. રાતના સમયે થાક્યાપાક્યા કામેથી આવેલા નવી મુંબઈના રહેવાસીઓ પાવર-કટના કારણે ઍર કન્ડિશનર(AC) અને પંખા વિના રહેવા મજબૂર છે અને એના કારણે તેઓ ઊંઘી નથી શકતા જેથી આખરે લોકોનો ગુસ્સો ભભૂક્યો હતો અને રસ્તા પર ઊતરીને પ્રદર્શન કરવું પડ્યું હતું.
રિક્ષા-ટૅક્સીના ડ્રાઇવરો શીખી રહ્યા છે મરાઠી

સરકારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં નૉન-મરાઠી રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને મરાઠી ભાષા શીખવા માટે ૧૫ ઑગસ્ટ સુધીની ડેડલાઇન આપી છે અને સાથે જ તેમને મરાઠી ભાષા શીખવવા માટે ક્લાસિસનું આયોજન પણ કર્યું છે. આ જ રીતે મંગળવારે પણ મુંબઈમાં વિવિધ સ્થળે મરાઠી સાહિત્ય પરિષદ અને મુંબઈ સાહિત્ય સંઘ દ્વારા ઑટોરિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે મરાઠી ભાષા શીખવવા સેશન રાખવામાં આવ્યાં હતાં.
જયપુરમાં ગેરકાયદે ફટાકડાની ફૅક્ટરીમાં ભીષણ આગ, ૭નાં મોત
રાજસ્થાનના જયપુરના ખો નાગોરિયન વિસ્તારમાં એક રહેણાક મકાનમાં ધમધમતી ગેરકાયદે ફટાકડાની ફૅક્ટરીમાં ભીષણ આગ લાગતાં ૭ વ્યક્તિનાં મોત થયાં છે અને અન્ય એક જણ ગંભીર રીતે દાઝી ગયો છે. ગેરકાયદે રીતે ધમધમતી આ ફૅક્ટરીમાં અચાનક ગૅસ-સિલિન્ડરમાં આગ લાગી હતી અને ત્યાર બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો. દુર્ઘટના વખતે ઘરમાં એક મહિલા અને એક બાળક સહિત કુલ ૮ લોકો હાજર હતા.
ઉત્તર પ્રદેશમાં ટ્રિપલ તલાક અને ઍસિડ-અટૅક પીડિતાઓને મળશે મફત ઘર
ટ્રિપલ તલાક અને ઍસિડ-અટૅક જેવી ગંભીર સામાજિક કુપ્રથાઓ અને ગુનાઓનો ભોગ બનેલી પીડિત મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા તેમ જ તેમને સન્માનજનક જીવન પૂરું પાડવા માટે ઉત્તર પ્રદેશ સરકાર હવે આવાસ અને હેલ્થ ઇન્શ્યૉરન્સ પૂરું પાડશે. જે પીડિત મહિલાઓ પાસે પોતાનું કાયમી રહેઠાણ નથી તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પાકું ઘર ફાળવવામાં આવશે. એ ઉપરાંત આયુષ્માન ભારત યોજના અને મુખ્યમંત્રી જન આરોગ્ય યોજનાનો સીધો લાભ અપાશે. આ યોજનાના વ્યાપમાં અન્ય નિરાધાર મહિલાઓનો પણ સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે ઍસિડ-અટૅકનો ભોગ બનેલી મહિલાઓને લાંબા સમય સુધી મોંઘી તબીબી સારવાર અને સર્જરીની જરૂર પડે છે જેનો ખર્ચ લાખો રૂપિયામાં હોય છે.
લક્ષદ્વીપ ટાપુઓમાં શરાબના વેચાણને મળી મંજૂરી, ૪૭ વર્ષ બાદ નિયમમાં ફેરફાર
આશરે ૪૭ વર્ષ બાદ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં શરાબના વેચાણને કાનૂની મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપ્યા બાદ ૧૯૭૯થી અમલમાં રહેલી શરાબબંધીને સમાપ્ત કરી દેવામાં આવી છે. હવે હિન્દી મહાસાગરમાં આવેલા આ ટાપુમાં શરાબના નિર્માણ, આયાત, નિકાસ, પરિવહન અને વેચાણને કાનૂની મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણયથી રાજ્યમાં ટૂરિઝમ ઉદ્યોગનો વિકાસ થવાની શક્યતા છે. લક્ષદ્વીપની ૯૬.૫ ટકા વસ્તી મુસ્લિમ છે અને ઇસ્લામમાં શરાબસેવનને પ્રતિબંધિત માનવામાં આવે છે એથી ૧૯૭૯થી અહીં સંપૂર્ણ શરાબબંધી લાગુ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ટૂરિઝમ અને આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને નીતિમાં બદલાવ કર્યો છે. હાલમાં માત્ર બંગારામ ટાપુ અને કેટલાક આધુનિક રિસૉર્ટ્સમાં શરાબના વેચાણને મંજૂરી આપવામાં આવી હતી. હવે નવા નિયમ મુજબ બધી હોટેલ અને રિસૉર્ટ્સ શરાબનું વેચાણ કરી શકશે. આમ હવે લક્ષદ્વીપ ટાપુ મૉલદીવ્ઝને ટક્કર આપી શકશે.
વિરોધનો પણ સૂર
જોકે આ નિર્ણયથી વિવાદ થયો છે. સ્થાનિક સામાજિક સંગઠનો, ધાર્મિક જૂથો અને રાજકીય પ્રતિનિધિઓએ એનો વિરોધ શરૂ કર્યો છે. સ્થાનિક સંસદસભ્ય મોહમ્મદ હમદુલ્લાહ સઈદનું કહેવું છે કે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં ટાપુના લોકો સાથે વાતચીત કરવામાં આવી નથી. અમારા પર આ નિર્ણય થોપી દેવામાં આવ્યો છે.
