બન્ને નેતાઓ સંમત થયા કે હોર્મુઝ સ્ટ્રેટ જેવા દરિયાઈ માર્ગો ખુલ્લા અને સુરક્ષિત રહેવા જોઈએ અને આંતરરાષ્ટ્રીય વેપારને અસર ન થવી જોઈએ
નરેન્દ્ર મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ઈરાન યુદ્ધ અંગે ફોન પર વાત કરી હતી
અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધના ૨૯મા દિવસે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ઈરાન યુદ્ધ અંગે ફોન પર વાત કરી હતી.
બન્ને નેતાઓ સંમત થયા કે હોર્મુઝ સ્ટ્રેટ જેવા દરિયાઈ માર્ગો ખુલ્લા અને સુરક્ષિત રહેવા જોઈએ અને આંતરરાષ્ટ્રીય વેપારને અસર ન થવી જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊર્જા-સ્થાપનો પર હુમલાઓની નિંદા કરી હતી. ઈરાન યુદ્ધ વચ્ચે ટર્કી, ઇજિપ્ત અને સાઉદી અરેબિયાના વિદેશપ્રધાનો ૩૦ માર્ચે પાકિસ્તાન પહોંચશે. ત્યાં તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ મુલાકાત કરશે. ઇસ્લામાબાદમાં આ બેઠકમાં મધ્યપૂર્વની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. યુદ્ધ શરૂ થયા પછી આ પહેલી મોટી બેઠક માનવામાં આવે છે, જેમાં ઘણા દેશોના વિદેશપ્રધાનો એકસાથે ભાગ લેશે.
ADVERTISEMENT
૪૭,૦૦૦ ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ
ગુજરાતના જામનગરસ્થિત વાડીનાર પોર્ટ પર કુવૈતના મીના અલ અહમદી બંદરગાહથી LPG અને સામાન લઈને શુક્રવારે રાતે એક જહાજ પહોંચ્યું હતું. ૨૩૦ મીટર લાંબા આ જહાજમાંથી ૧૭,૬૦૦ ટન LPG અન્ય એક સહાયક જહાજ રોઝમાં ટ્રાન્સફર કર્યો હતો. એમાં ૧૫ કલાક લાગ્યા હતા. આ ટ્રાન્સફર પછી સહાયક જહાજ કંડલા જવા રવાના થયું હતું. બાકીના LPG સાથે મુખ્ય જહાજ જગ વસંત ૨૦,૦૦૦ ટન LPG મુંબઈમાં ઉતારશે અને પછી આગળ જઈને ૯૦૦૦ ટન માલ મૅન્ગલોરમાં જઈને ઉતારશે.
