મૉરોક્કોમાં ત્રાટકેલા શક્તિશાળી ભૂકંપનો અનુભવ કરનારી એક વ્યક્તિએ આમ જણાવ્યું, આ હોનારતમાં ૧૦૦૦થી વધુ લોકોનાં મોત, અનેક બિલ્ડિંગ્સ કાટમાળમાં ફેરવાઈ ગયાં, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ મારાકેશની આસપાસની ફેમસ રેડ વૉલના અમુક ભાગને પણ નુકસાન થયું
મારાકેશમાં શુક્રવારે રાત્રે ભૂકંપના પગલે સુરક્ષિત સ્થાનોએ આશરો લઈ રહેલા લોકો
મૉરોક્કો શુક્રવારે મોડી રાત્રે શક્તિશાળી ભૂકંપથી હચમચી ઊઠ્યું હતું, જેમાં ઓછામાં ઓછા ૧૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને ઍટલસ પહાડોથી લઈને ઐતિહાસિક સિટી મારાકેશ સુધી અનેક ગામોમાં બિલ્ડિંગ્સને નુકસાન થયું હતું. આફ્ટરશોક્સના ભયના કારણે લોકો સ્ટ્રીટ્સમાં રહેવા માટે મજબૂર થયા હતા.
મૉરોક્કોના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. ઉપરાંત મોટી સંખ્યામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે.’
ADVERTISEMENT
અમેરિકન જિયોલૉજિકલ સર્વે અનુસાર શુક્રવારે રાત્રે ૧૧.૧૧ વાગ્યે ટૂરિસ્ટ હૉટસ્પૉટ મારાકેશની દક્ષિણપશ્ચિમમાં ૭૨ કિલોમીટરના અંતરે ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. મારાકેશથી પશ્ચિમમાં ૨૦૦ કિલોમીટરના અંતરે આવેલા સુઇરાની એક વ્યક્તિએ ન્યુઝ એજન્સી એ.એફ.પી.ને જણાવ્યું હતું કે ‘આંચકાના સમયે અમે લોકોની ચીસો સાંભળી હતી.’
મારાકેશમાં રહેતા ફૈસલ બાદોરે કહ્યું હતું કે ‘ભૂકંપ આવ્યો હતો ત્યારે હું વેહિકલ ચલાવતો હતો. હું અટક્યો અને ખ્યાલ આવ્યો કે આ હોનારત થઈ છે. ચીસો અને રુદન અસહ્ય હતું.’
મૉરોક્કોના મીડિયાએ જણાવ્યું હતું કે આ દેશમાં અત્યાર સુધી ત્રાટકેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો.
મૉરોક્કોવાસીઓએ આ ભૂકંપના કારણે કાટમાળમાં ફેરવાઈ ગયેલી બિલ્ડિંગ્સના વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ મારાકેશની આસપાસની ફેમસ રેડ વૉલના અમુક ભાગને પણ નુકસાન થયું છે.
ભૂકંપના એપિસેન્ટર પાસેના એક ટાઉનના વડાએ મૉરોક્કોન ન્યુઝ સાઇટ 2Mને જણાવ્યું હતું કે નજીકના ટાઉન્સમાં અનેક ઘર સંપૂર્ણપણે કે આંશિક રીતે ધ્વસ્ત થયાં છે અને અનેક જગ્યાઓએ બત્તી ગુલ થઈ ગઈ છે. એટલું જ નહીં, અનેક વિસ્તારો રસ્તાઓ તૂટવાના કારણે સંપર્કવિહોણા થયા છે.
મૉરોક્કોમાં ભૂકંપના કારણે જાનહાનિથી અત્યંત પીડા અનુભવું છું. આ દુખદ ઘડીએ મૉરોક્કોના લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ. પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો શક્ય એટલા વહેલા સાજા થાય એવી પ્રાર્થના. ભારત આ મુશ્કેલ સમયમાં મૉરોક્કોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે રેડી છે. - નરેન્દ્ર મોદી, વડા પ્રધાન


