મિડલ ઈસ્ટમાં યુદ્ધ વખતે મિસાઇલ-હુમલાની ચેતવણી આપવા માટે ઇઝરાયલમાં સાયરન વગાડવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વખતે મિસાઇલ-હુમલાની ચેતવણી આપવા માટે ઇઝરાયલમાં સાયરન વગાડવામાં આવે છે અને સાયરન વાગે એટલે તરત જ લોકોએ સલામત સ્થળે કે બન્કરમાં પહોંચી જવાનું હોય છે. તેથી એવામાં સ્નાન કરવા ક્યારે જવું એ પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. એનો ઉકેલ લાવવા માટે ‘કૅન આઇ શાવર’ નામની ઍપ તૈયાર થઈ છે. આ ઍપનો ઉપયોગ કરવાથી શેલ્ટર હોમમાં દોડી જવાના ડર વિના સ્નાન કરવાનો અંદાજિત સૌથી સલામત સમય ચકાસી શકાય છે. મિસાઇલની ચેતવણી દરમ્યાન ઇઝરાયલીઓ પાસે ઘણી વાર સુરક્ષિત રૂમ સુધી પહોંચવા માટે ૩૦થી ૯૦ સેકન્ડ જેટલો ઓછો સમય હોય છે. સ્નાન કરી રહેલી વ્યક્તિ માટે આટલા ઓછા સમયમાં શેલ્ટર સુધી પહોંચવું મુશ્કેલ થાય છે. આ ઍપ ઓછા જોખમવાળા સમયનો અંદાજ કાઢવા માટે રૉકેટ-હુમલાની પૅટર્ન અને અન્ય ડેટાનો ઉપયોગ કરે છે. યુઝર્સ વ્યક્તિગત વિગતો પણ ઇનપુટ કરી શકે છે. જેમ કે તેને સ્નાન કરવામાં સામાન્ય રીતે કેટલો સમય લાગે છે અને પછી તેને શેલ્ટર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે. આ કોઈ સત્તાવાર સલામતી-પ્રણાલી નથી અને ઍપના ડેવલપર સ્વીકારે છે કે એ ફૂલપ્રૂફ નથી.
