સતત બારમા દિવસે લોકો રસ્તા પર ઊતર્યાઃ દેશમાં સંપૂર્ણ ઇન્ટરનેટ બ્લૅકઆઉટ, અયાતુલ્લા અલી ખામેનેઈનો વિરોધ, રઝા પહલવીને પાછા લાવવાની માગણી
ઈરાનના તેહરાનમાં ગઈ કાલે સેંકડો લોકો સરકાર સામે વિરોધ કરવા રસ્તા પર ઊતરી આવ્યા હતા
ઈરાનમાં સરકારવિરોધી અશાંતિ સતત બારમા દિવસમાં પ્રવેશી હતી અને રાજધાની તેહરાન અને બીજા નંબરના સૌથી મોટા શહેર મશહાદ સહિત ૩૧ પ્રાંતનાં ૧૦૦થી વધારે શહેરોમાં લોકો રસ્તા પર ઊતર્યા છે. માનવાધિકાર જૂથોનું કહેવું છે કે ઈરાનના ચલણના તીવ્ર પતનને કારણે લોકોમાં રોષ છે. આના પગલે ઈરાનમાં સંપૂર્ણ ઇન્ટરનેટ બ્લૅકઆઉટ કરી દેવામાં આવ્યું છે.
ગુરુવારે સાંજે સરકારવિરોધી પ્રદર્શનકારીઓના મોટા ટોળાએ તેહરાન અને અન્ય ઘણાં શહેરોમાં કૂચ કરી હતી. આ પ્રદર્શનોને ઈરાનના મૌલવી નેતૃત્વના વિરોધીઓ દ્વારા વર્ષોમાં સૌથી મોટા શક્તિપ્રદર્શન તરીકે વર્ણવવામાં આવી રહ્યાં છે. સુરક્ષાદળો દ્વારા વિરોધ-પ્રદર્શનોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. જોકે બાદમાં એક મૉનિટરિંગ જૂથે દેશવ્યાપી ઇન્ટરનેટ બ્લૅકઆઉટની જાણ કરી હતી.
વિરોધીઓ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને ઊથલાવી દેવાની હાકલ કરતા સંભળાઈ રહ્યા છે. કેટલાંક ટોળાંએ ઈરાનના છેલ્લા શાહના દેશનિકાલ કરાયેલા પુત્ર રઝા પહલવીને પાછા લાવવા માટે પણ હાકલ કરી હતી.
ADVERTISEMENT
ખામેનેઈનો ઉલ્લેખ કરતા ‘સરમુખત્યારને મોત’ અને ‘શાહ અમર રહો’ના નારાઓનો સમાવેશ થતો હતો. અમેરિકામાં રહેતા રઝા પહલવીએ અગાઉ ઈરાનીઓને રસ્તાઓ પર ઊતરવાનો અને સંયુક્ત મોરચા તરીકે માગણીઓનો પોકાર કરવાની વિનંતી કરી હતી.
તાજેતરનાં વર્ષોમાં જીવનનિર્વાહના વધતા ખર્ચ અને અમેરિકાના પ્રતિબંધો અને ઇઝરાયલ તરફથી વધતી ધમકીઓને કારણે મુશ્કેલી વધી છે. આના કારણે અયાતુલ્લાઓનું લગભગ પાંચ દાયકાનું શાસન જોખમમાં મુકાઈ ગયું છે.
૪૨ લોકોએ જીવ ગુમાવ્યા
અમેરિકાસ્થિત હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ ન્યુઝ-એજન્સીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૪ વિરોધીઓ અને સુરક્ષા દળોના ૮ સભ્યોએ જીવ ગુમાવ્યો છે અને આશરે ૨૨૭૦ વિરોધીઓની ધરપકડ કરવામાં આવી છે. નૉર્વેસ્થિત જૂથ ઈરાન હ્યુમન રાઇટ્સે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ૮ બાળકો સહિત ઓછામાં ઓછા ૪૫ વિરોધીઓને માર્યા હતા.
૪૭ વર્ષ પહેલાં ઇસ્લામિક ક્રાન્તિ
ઈરાનના ઇસ્લામિક શાસનની શરૂઆત ૪૭ વર્ષ પહેલાં ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાન્તિ સાથે થઈ હતી, જેમાં પશ્ચિમતરફી શાહ મોહમ્મદ રઝા પહલવીને ઊથલાવી દેવામાં આવ્યા હતા અને અયાતુલ્લા રુહોલ્લા ખોમેનીના નેતૃત્વમાં શિયા ઇસ્લામિક ધર્મશાસનની સ્થાપના કરવામાં આવી હતી. ઈરાનના વર્તમાન સર્વોચ્ચ નેતા સૈયદ અલી હુસેની ખામેનેઈ ઇસ્લામિક રિપબ્લિકના સ્થાપક અયાતુલ્લા રુહોલ્લા ખોમેનીના પૌત્ર છે.
હું ડરતી નથી, હું ૪૭ વર્ષ પહેલાં જ મરી ગઈ છું : એક મહિલાનો આ મિજાજ આખા દેશનાં વર્તમાન પરિસ્થિતિનું નિરૂપણ કરે છે

લોકો પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી
ઈરાનમાં સરકારવિરોધી વિરોધ-પ્રદર્શનો વચ્ચે એક વૃદ્ધ મહિલા પ્રદર્શનકારીનો વિડિયો વાઇરલ થયો છે. આ મહિલાના મોઢામાંથી લોહી નીકળતું હોય એવું લાગે છે, તે લોરેસ્તાનની સ્ટ્રીટમાં કૂચ કરતી અને સરકારવિરોધી સૂત્રોચ્ચાર કરતી જોઈ શકાય છે. એ સ્પષ્ટ નથી કે મહિલાના મોંમાંથી નીકળતું લાલ પ્રવાહી લોહી હતું કે તે કોઈ પ્રકારના રંગનો ઉપયોગ કરી રહી હતી. તેણે કહ્યું હતું કે ‘હું ડરતી નથી. હું ૪૭ વર્ષ પહેલાં જ મરી ગઈ છું. ૪૭ વર્ષ પહેલાં ઇસ્લામિક રિપબ્લિકે અમારા અધિકારો છીનવી લીધા હતા અને આ રાષ્ટ્રને બંધક બનાવ્યું હતું. આજે લોકો પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી, ઈરાનમાં ક્રાન્તિ થઈ રહી છે.’
ઈરાની મહિલાઓ સુપ્રીમ લીડરનાં બળતાં પોસ્ટરોથી સિગારેટ કેમ સળગાવી રહી છે?

ઈરાનમાં મહિલાઓ સિગારેટ પીએ અને સુપ્રીમ લીડર અલી ખામેનેઈનાં પોસ્ટરોને સળગાવે એવાં ચિત્રો શૅર કરી રહી છે. ઈરાની કાયદા મુજબ સુપ્રીમ લીડરની તસવીર બાળવી એ ગંભીર ગુનો ગણાય છે. ઈરાનમાં મહિલાઓ ધૂમ્રપાન કરે એ પ્રતિબંધિત છે. મહિલાઓ સુપ્રીમ લીડરનાં પોસ્ટરો બાળીને એને સિગારેટ સળગાવવાના લાઇટરની જેમ યુઝ કરી રહી છે. તેઓ પ્રોટેસ્ટ દરમ્યાન ઇરાદાપૂર્વક સ્ટેટ પાવર અને કડક સામાજિક નિયમો બન્નેનો અસ્વીકાર કરી રહી છે.


