BJP સાથેના ખટરાગ વચ્ચે અજિત પવારનો ધડાકો
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારે કહ્યું હતું કે NCPનાં બે જૂથના કાર્યકરો એક થવા માગે છે અને પવાર-પરિવારની અંદરના તમામ તનાવનો ઉકેલ આવી ગયો છે, હવે બન્ને NCP સાથે છે.
શરદ પવાર દ્વારા સ્થપાયેલી NCP બે વર્ષ પહેલાં તેમના ભત્રીજા અજિત પવારના બળવા બાદ અલગ થઈ ગઈ હતી. અજિત પવારના નેતૃત્વ હેઠળનું જૂથ ત્યાર બાદ નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માં જોડાઈ ગયું હતું અને તેમણે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમની સાથે પક્ષના વધુ સભ્યો હોવાથી અજિત પવારે NCPના પક્ષનું નામ અને એના પ્રતીક ‘ઘડિયાળ’નો પણ દાવો કર્યો હતો. ત્યારે શરદ પવારના જૂથને નવું નામ NCP-SP અને તુતારી વગાડતા માણસનું નવું પ્રતીક મળ્યું હતું. હાલ બન્ને જૂથે પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે એકત્ર થવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
લોકસભાનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ પણ કહ્યું હતું કે ‘પાર્ટીના કાર્યકરોની ડિમાન્ડ પર પિંપરી-ચિંચવડ ચૂંટણી માટે બન્ને NCP-જૂથ એકત્ર થયાં છે. જોકે અજિત પવાર સાથેનું આ જોડાણ ચાલુ રહેશે કે નહીં એ વિશે કોઈ ચર્ચા નથી થઈ.’
સુપ્રિયા સુળેએ NCP-SPના મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકારમાં જોડાવાની અને પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવાની અફવાને ફગાવી દેતાં કહ્યું હતું કે જે લોકો આવી અફવાથી ખુશ છે તેઓ તેમના વિશે વાત કરે.


