Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હવે બાલી નજીક જ્વાળામુખી ફાટવાથી ફ્લાઇટો કૅન્સલ

હવે બાલી નજીક જ્વાળામુખી ફાટવાથી ફ્લાઇટો કૅન્સલ

Published : 19 June, 2025 11:26 AM | IST | Bali
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાખના મશરૂમ આકારના વિશાળ ધુમાડા ૧૦,૦૦૦ મીટરથી વધુ ઊંચા ઊડ્યા, રાખનાં વાદળ લગભગ ૧૫૦ કિલોમીટર દૂરથી દેખાયાં, જ્વાળામુખીની આસપાસ આઠ કિલોમીટરના વિસ્તારને જોખમી જાહેર કરાયો, સ્થાનિક નાગરિકો અને સહેલાણીઓને સતર્ક રહેવા સૂચના અપાઈ

બાલી નજીક જ્વાળામુખી ફાટવાથી ફ્લાઇટો કૅન્સલ

બાલી નજીક જ્વાળામુખી ફાટવાથી ફ્લાઇટો કૅન્સલ


ઈસ્ટ ઇન્ડોનેશિયામાં મંગળવારે શક્તિશાળી અને સક્રિય જ્વાળામુખી માઉન્ટ લેવોટોબી લાકી-લાકી ફાટવાના કારણે બાલી જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને રદ અથવા ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. ભારે વિસ્ફોટના કારણે અનેક ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ કરવામાં આવી, કારણ કે રાખનાં ગાઢ વાદળોને કારણે ઍરપોર્ટ બંધ થઈ ગયાં હતાં. બુધવારે પણ એક કિલોમીટર ઊંચાં રાખનાં વાદળો ઊડ્યાં હતાં. આ વિસ્તારમાં ૬૦૦૦ મીટરથી નીચે ઉડ્ડયન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ જ્વાળામુખી ઇન્ડોનેશિયાના ઈસ્ટ નુસા ટેંગારા પ્રાંતમાં આવેલો છે અને મંગળવારે સાંજે ફાટ્યો હતો. જ્વાળામુખીમાંથી નીકળેલા રાખના વિશાળ ગોટા આકાશમાં ૧૦,૦૦૦ મીટર (૩૨,૮૦૦ ફુટ)થી વધુ ઊંચા ઊડ્યા હતા. લગભગ ૧૫૦ કિલોમીટર દૂરથી દેખાતાં રાખનાં વાદળને કારણે અધિકારીઓએ જ્વાળામુખીના ઉચ્ચતમ સ્તરની ચેતવણી બહાર પાડી હતી. જ્વાળામુખીની આસપાસના ૮ કિલોમીટરના વિસ્તારને જોખમી જાહેર કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાના ફ્લોરેસ તૈમુર જિલ્લામાં આવેલા ૧૫૮૪ મીટર (૫૧૯૭ ફુટ) ઊંચાઈવાળા આ જોડિયા જ્વાળામુખી માઉન્ટ લેવોટોબી લાકી-લાકી અને માઉન્ટ લેવોટોબી પેરેમ્પુઆનમાંથી એક છે. ભૂકંપની રીતે સક્રિય પૅસિફિક રિંગ ઑફ ફાયરની સાથે સ્થિત ઇન્ડોનેશિયા વારંવાર જ્વાળામુખીની ગતિવિધિઓથી ઝઝૂમી રહ્યું છે ત્યારે આ વિક્ષેપ આવ્યો છે.



રોજ ૮થી ૧૦ વિસ્ફોટ


આ જ્વાળામુખી પર્વત પર રોજ ૮થી ૧૦ વિસ્ફોટ થતા હોય છે, જ્યારે મંગળવારે બે કલાકમાં ૫૦ વિસ્ફોટ નોંધાયા હતા. આ પછી, ૧૫૦ કિલોમીટર દૂરનાં શહેરોમાંથી રાખના મશરૂમ આકારનાં વાદળો દેખાતાં હતાં. ઇન્ડોનેશિયામાં ૧૨૦ સક્રિય જ્વાળામુખી છે.

અનેક ફ્લાઇટ્સ રદ


સાવચેતી તરીકે ઘણી ઍરલાઇન્સે બાલીના ન્ગુરાહ રાય ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કામગીરી સ્થગિત કરી હતી. વર્જિન ઑસ્ટ્રેલિયા, જેટસ્ટાર, ઍર ન્યુ ઝીલૅન્ડ, સિંગાપોરની ટાઇગર ઍર, ચીનની જુન્યાઓ ઍરલાઇન્સ અને ઍર ઇન્ડિયાએ ફ્લાઇટ્સ રદ કરી હતી અથવા તેમનો રૂટ બદલ્યો હતો.

બીજી તરફ ઇન્ડોનેશિયાની ભૂસ્તરશાસ્ત્ર એજન્સીએ ભારે વરસાદને કારણે સંભવિત લાવા પ્રવાહની ચેતવણી આપી હતી અને રહેવાસીઓ અને મુસાફરોને સતર્ક રહેવા વિનંતી કરી હતી. જ્વાળામુખી ફાટવાને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

૨૦૨૪ના નવેમ્બરમાં માઉન્ટ લેવોટોબી લાકી-લાકીના સમાન વિસ્ફોટમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. આ જ્વાળામુખી માર્ચમાં પણ ફાટી નીકળ્યો હતો.

બાલી જતી ફ્લાઇટ દિલ્હી પાછી વાળવામાં આવી

દિલ્હીથી બાલી જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI2145ને હવામાં જ પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી અને એ સુરક્ષિત રીતે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પાછી ફરી હતી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.

આ મુદ્દે ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીર છીએ અને અસરગ્રસ્ત મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. જો તેઓ ટિકિટ રદ કરે તો ફુલ રીફન્ડ અથવા ફરી ટિકિટ બુક કરાવે તો કોઈ ચાર્જ નહીં લેવાની ઑફર કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2025 11:26 AM IST | Bali | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK