ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને માનવીય સહાય પહોંચાડવા માટે યુદ્ધવિરામ કરવા માટે હાકલ કરતા ઠરાવને ૧૫૩ દેશોએ સપોર્ટ આપ્યો હતો, જ્યારે ૧૦ દેશોએ એનો વિરોધ કર્યો હતો. ૨૩ દેશો આ ઠરાવ પર મતદાનથી બાકાત રહ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ૧૯૩ સભ્યદેશોમાંથી મોટા ભાગના દેશોએ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે હાકલ કરતા ઠરાવને સપોર્ટ આપ્યો છે. એને લીધે હમાસ આતંકવાદી ગ્રુપ વિરુદ્ધની લડાઈમાં ઇઝરાયલ દુનિયામાં અલગ પડી રહ્યું હોય એમ જણાય છે. આ મહાસભામાં પસાર કરવામાં આવેલા આ ઠરાવની વિરુદ્ધ અમેરિકાએ મત આપ્યો હતો. એમ છતાં અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને ઇઝરાયલને ચેતવણી આપી હતી કે ગાઝા પટ્ટી પર નાગરિકો પર સતત બૉમ્બમારો કરવાને કારણે ઇઝરાયલ દુનિયાના દેશોનો સપોર્ટ ગુમાવી રહ્યું છે.
ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને માનવીય સહાય પહોંચાડવા માટે યુદ્ધવિરામ કરવા માટે હાકલ કરતા ઠરાવને ૧૫૩ દેશોએ સપોર્ટ આપ્યો હતો, જ્યારે ૧૦ દેશોએ એનો વિરોધ કર્યો હતો. ૨૩ દેશો આ ઠરાવ પર મતદાનથી બાકાત રહ્યા હતા.
ઇઝરાયલે ટનલમાં પાણી છોડવાનું શરૂ કર્યું
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે ગાઝામાં હમાસની ટનલ્સમાં દરિયાનું પાણી છોડવાનું શરૂ કર્યું છે. હમાસના આતંકવાદીઓએ ટનલ્સનું એક વિશાળ અને જટિલ માળખું રચ્યું છે, જેને ડુબાડવાની પ્રોસેસમાં અનેક અઠવાડિયાં લાગશે. એને લીધે આ ટનલ્સનો અને એની સાથે છુપાયેલા આતંકવાદીઓનો પણ નાશ કરવામાં મદદ મળશે. ઇઝરાયલે ટનલ્સમાં મોટા પાયે પાણી છોડવા માટે અનેક પમ્પ મૂક્યા છે.