૨૫ ડિસેમ્બરે દુનિયાનો અંત થશે એવી આગાહી કરીને લોકોને ભોળવનારો ઘાનાનો આ ભેજાબાજ ખોટા પડ્યા પછી કહે છે...
એબો એનૉક
મળેલા દાનમાંથી ખરીદી લીધી ૮૦ લાખ રૂપિયાની મર્સિડીઝ કાર, લોકો ગુસ્સે ભરાયા
ઘાનામાં પોતાને પયગંબર ગણાવતા એક માણસે ઑગસ્ટમાં એક યુટ્યુબ-વિડિયોમાં આગાહી કરી હતી કે ૨૫ ડિસેમ્બરે દુનિયાનો અંત આવી જશે, એક વિશાળ પૂર બધાનો વિનાશ કરશે, જે લોકોએ બચવું હોય તેઓ લાકડામાંથી બનેલા મારા જહાજમાં આવી શકે છે. જોકે આ આગાહી ખોટી પડતાં હવે એબો એનૉક નામના માણસે ફેરવી તોળ્યું છે કે આફત રદ નથી થઈ, ફક્ત મોડી કરવામાં આવી છે એમ કહીને આ ભાઈ હવે એવાં બણગાં ફૂંકે છે કે ભગવાને મને મારું કામ પૂર્ણ કરવા અને તેનો સંદેશ ફેલાવવા માટે વધારાનો સમય આપ્યો છે, મને હવે જહાજ પ્રોજેક્ટને મોટો બનાવવાનું કહેવામાં આવ્યું છે જેથી જે બચવા માગતા હોય એવા વધુ લોકોને સમાવી શકાય.
ADVERTISEMENT
૨૫ ડિસેમ્બરે વિનાશ થશે એવી એબો એનૉકની આગાહી પર ઘણા લોકોએ વિશ્વાસ કર્યો હતો અને સલામતી માટે તે જે લાકડાનાં મોટાં વહાણ બનાવી રહ્યો હતો એ જોવા અને એમાં બેસવા માટે ઘાના પહોંચ્યા હતા. જોકે જ્યારે નાતાલના દિવસે કંઈ ન થયું ત્યારે લોકો રોષે ભરાયા હતા. કેટલાક લોકોએ દરિયાકિનારે એક જહાજને આગ ચાંપી દીધી હતી. જોકે પછી ખબર પડી હતી કે એ એબો એનૉકેનું જહાજ નહોતું.
ભવિષ્યવાણી શું હતી?
ઑગસ્ટમાં શૅર કરાયેલા યુટ્યુબ-વિડિયો ‘શું થશે અને એ કેવી રીતે થશે’માં એબો એનૉકે કહ્યું હતું કે ‘મને ભગવાન તરફથી સંદેશ મળ્યો છે. ૨૫ ડિસેમ્બરથી અવિરત વરસાદ શરૂ થશે અને ત્રણ વર્ષ સુધી ચાલુ રહેશે. ભગવાને મને રક્ષણ ઇચ્છતા લોકોને બચાવવા માટે જહાજ બનાવવા કહ્યું છે.’ તેના ઘણા વિડિયોમાં એબો હોડીઓ બનાવતો જોઈ શકાય છે. તેણે વારંવાર દાવો કર્યો હતો કે તેણે આ હેતુ માટે અગાઉથી જ ૧૦ જહાજ બનાવી લીધાં છે.
વરસાદને કારણે વિશ્વાસ વધ્યો
ઘાનામાં ભારે વરસાદ પડતાં ઘણા લોકો તેના પર વિશ્વાસ કરતા થયા હતા અને તેની ચેતવણીને ગંભીરતાથી લેતા હતા. જોકે તેની આગાહી સાચી ન પડી. તેના નવા વિડિયોમાં તેણે કહ્યું હતું કે ‘જે આપત્તિ વિશે વાત કરી હતી એ વિલંબિત થઈ છે. ભગવાને વધુ સમય આપ્યો છે. મેં પ્રાર્થના કરી છે, મેં ઉપવાસ કર્યા છે, મેં દાન કર્યું છે અને મારી પ્રાર્થનાઓ દ્વારા ભગવાને મને ૧૦ ઉપરાંત વધુ જહાજ બનાવવા માટે થોડો સમય આપ્યો છે જેથી આપણે બધાને સમાવી શકીએ. હું ટિકિટ નથી વેચી રહ્યો, હું કોઈ પાસેથી પૈસા નથી લઈ રહ્યો એથી કૃપા કરીને ઘરે રહો, આનંદ કરો, મજા કરો.’
૮૦ લાખની કાર ખરીદી
એબો એનૉકે કહ્યું હતું કે તેણે ક્યારેય ટિકિટ વેચી નથી કે લોકો પાસેથી પૈસા માગ્યા નથી, પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે દાનનો ઉપયોગ કરીને આશરે ૮૦ લાખ રૂપિયાની મર્સિડીઝ કાર ખરીદી હતી અને એના ફોટો ઑનલાઇન ફરતા થયા છે. ઘણા લોકો એ જોઈને દંગ રહી ગયા કે આટલા બધા અનુયાયીઓ તેના પર કેવી રીતે વિશ્વાસ કર્યો અને તેને પૈસા આપી દીધા.


