કૅનેડા માટેના વર્ક-વીઝાની લાલચ આપીને ૩૭ લોકો પાસેથી ૧.૬૩ કરોડ જેટલા રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ લાગ્યો છે ગૌરવ શાહ, રીના શાહ પર
આરોપી ૪૦ વર્ષનો ગૌરવ શાહ અને ૪૦ વર્ષની રીના શાહ
બન્ટી-બબલી સ્ટાઇલની છેતરપિંડી કરીને ભાગી ગયેલા ચોર-કપલની બોરીવલી પોલીસે નવસારીથી ધરપકડ કરી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી ૪૦ વર્ષનો ગૌરવ શાહ અને ૪૦ વર્ષની રીના શાહે કૅનેડામાં નોકરી અને વર્ક-વીઝા આપવાનું પ્રૉમિસ આપીને લગભગ ૩૭ જેટલા નોકરી ઇચ્છતા લોકોને છેતર્યા હતા.
પોલીસે આપેલી વિગતો પ્રમાણે ગયા વર્ષે મલાડ પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાયો હતો એ પછી બન્ને અન્ડરગ્રાઉન્ડ થઈ ગયાં હતાં. ટેક્નિકલ ઇન્પુટ્સના આધારે પોલીસે તેમને ગુજરાતના નવસારીથી શોધી કાઢ્યાં હતાં. તાજેતરમાં તેમને મુંબઈ પાછાં લાવવામાં આવ્યાં હતાં. આ છેતરપિંડીમાં સામેલ વધુ એક આરોપી હજી ફરાર છે.
ADVERTISEMENT
પોલીસે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આરોપી કપલ મલાડ-વેસ્ટના કાચપાડામાં એક ઑફિસમાંથી ધ વીઝા મૅન્શન નામની કંપની ચલાવતું હતું. આ કંપની ધ વીઝા મૅનેજમેન્ટ કંપની તરીકે પણ ઓળખાતી હતી. આ લોકોએ જૉબસીકર્સને કૅનેડિયન વર્ક-વીઝાનું પ્રૉમિસ આપીને અનેક લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. આરોપીઓએ વીઝા-પ્રોસેસિંગના નામે ૧૦,૦૦૦થી લઈને ૧૭ લાખ, ૧૨ લાખ અને ૭ લાખ મળી લાખો રૂપિયા લોકો પાસેથી વસૂલ્યા હતા. જોકે પૈસા આપ્યા પછી પણ કોઈને વીઝા નહોતા મળ્યા.’
૩૭ લોકો પાસેથી ૧.૬૩ કરોડની છેતરપિંડી
પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે કુલ ૩૭ લોકો સાથે છેતરપિંડી થઈ હતી જે બધાની મળીને કુલ રકમ ૧,૬૩,૮૬,૪૦૦ રૂપિયા હતી. ફરાર આરોપી રાજુલ કુલશ્રેષ્ઠ વિરારનો રહેવાસી છે જેને શોધવાના અને છેતરપિંડીની રકમ વેરિફાય કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
બોરીવલીના એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘પહેલાં બન્ને આરોપીઓએ જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી ત્યારે બન્ને ફરાર થઈ ગયાં હતાં અને નવસારીમાં છુપાઈ ગયા હતા. નવસારી ટાઉન પોલીસ સાથે કો-ઑર્ડિનેશન કરીને પોલીસે આરોપીને શોધી કાઢ્યાં હતાં અને ૨૩ ડિસેમ્બરે બન્નેની ધરપકડ કરી હતી.’
મલાડના આ કેસને લીધે રૅકેટ બહાર આવ્યું
મલાડમા રહેતી સારિકા ધર્માધિકારી પ્રોફેશનલ છે જે કૅનેડામાં નોકરી શોધી રહી હતી. તેણે ધ વીઝા મૅન્શન નામની કંપનીની ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ હતી. ૨૦૨૩ના મે મહિનામાં તેણે ઑફિસની મુલાકાત લીધી હતી. ત્યાં તેને ખાતરી અપાવવામાં આવી હતી કે જો તું ૭ લાખ રૂપિયા આપશે તો તારી કૅનેડિયન વર્ક-વીઝાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. ૨૦૨૩ના જુલાઈથી ૨૦૨૪ના મે મહિના સુધીમાં કંપનીના બૅન્ક-અકાઉન્ટમાં સારિકાએ ૭.૧૬ લાખ રૂપિયા ઇન્સ્ટૉલમેન્ટ્સમાં ટ્રાન્સફર કર્યા હતા. એ પછી વારંવાર ફૉલો-અપ કર્યા છતાં તેને વર્ક-વીઝા મળ્યા નહોતા. ૨૦૨૪ના જૂનમાં સારિકાએ વીઝા આપવામાં આવ્યા, પણ એ વિઝિટ-વીઝા હતા. એ પછી તે ફરી કંપનીની ઑફિસમાં ગઈ ત્યારે ત્યાં તાળાં લાગી ગયાં હતાં અને બધા કૉન્ટૅક્ટ-નંબર બંધ થઈ ગયા હતા. એ પછી તેણે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.


