મોદી સારા માણસ છે, તેઓ જાણે છે કે હું ખુશ નથી, મને ખુશ કરવો જરૂરી છે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો નવી દિલ્હી રશિયન તેલ મુદ્દામાં અમેરિકાને મદદ નહીં કરે તો અમેરિકા ભારતીય આયાત પરની હાલની ટૅરિફમાં વધારો કરી શકે છે.
વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોની ધરપકડ બાદ અમેરિકાનાં આગામી પગલાંની રૂપરેખા આપતી બ્રીફિંગ વખતે ટ્રમ્પે સંબોધન દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ‘તેઓ એક સારી વ્યક્તિ છે. તેઓ જાણે છે કે અમેરિકન પ્રેસિડન્ટ ખુશ નથી. મને ખુશ કરવો મહત્ત્વપૂર્ણ છે. તેઓ વેપાર કરે છે. અમે ખૂબ જ ઝડપથી ટૅરિફ વધારી શકીએ છીએ.’
નોંધનીય છે કે ગયા વર્ષે અમેરિકાએ ભારતીય માલ પરની ટૅરિફ ૫૦ ટકા સુધી વધારી દીધી હતી.
ટ્રમ્પની તાજેતરની કમેન્ટ્સ મહિનાઓ પછી આવી છે જ્યારે તેમણે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયન તેલની ખરીદી બંધ કરશે. ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે. જોકે ભારતે ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો હતો કે તેમની અને વડા પ્રધાન મોદી વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી. ટ્રમ્પની હાલની ટૅરિફવધારાની ચેતવણી ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર-વાટાઘાટો વચ્ચે આવી છે.


