યુરોપના નેતાઓને પડખે રાખ્યા અને ડોનલ્ડ ટ્રમ્પ પાસેથી સુરક્ષા-ગૅરન્ટી મેળવીને યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ કહ્યું...
યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓએ સોમવારે ડોનલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને સૌએ રશિયા સાથેના યુદ્ધને પૂર્ણ કરવા માટેની નિર્ણાયક ક્ષણ ગણાવી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવાના મુદ્દે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી અને યુરોપિયન યુનિયનના નેતાઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે ‘ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથે સારી મુલાકાત થઈ છે અને તેમણે સુરક્ષા-ગૅરન્ટી અંગે ચર્ચા કરી છે. યુરોપ દ્વારા યુક્રેનને અમેરિકાના સંકલન સાથે સુરક્ષા પૂરી પાડવામાં આવશે.’
ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમણે બેઠક દરમિયાન રશિયાના પ્રેસિડન્ટ પુતિન સાથે વાત કરી હતી અને રશિયન નેતા અને ઝેલેન્સ્કી વચ્ચે મીટિંગ માટે વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે, ત્યાર બાદ ત્રિપક્ષીય વાટાઘાટો થશે જેમાં તેઓ પણ સામેલ થશે. બીજી તરફ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે સુરક્ષા-ગૅરન્ટી એ યુદ્ધનો અંત લાવવાનું પહેલું પગલું છે અને પુતિન સાથેની મુલાકાત સંવેદનશીલ મુદ્દાઓને ઉકેલવા માટે જરૂરી છે.
ADVERTISEMENT
વાતચીતના પ્રયાસો છતાં યુક્રેનમાં યુદ્ધવિરામ સ્થાપવાની તાકીદ અંગે યુરોપિયન નેતાઓ અને રશિયા વચ્ચે સ્પષ્ટ મતભેદ જોવા મળ્યા છે.
સોમવારની મીટિંગના પરિણામે યુક્રેન માટે સુરક્ષા-ગૅરન્ટી પર કામ કરવા માટે અમેરિકા તરફથી તૈયારી અને યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી તથા રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠકની સંભાવના જોવા મળી હતી.
ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓએ વાઇટ હાઉસમાં દિવસભરની બેઠકો પછી યુક્રેનમાં લડાઈનો અંત લાવવા માટે સીધી વાટાઘાટોને સમર્થન આપ્યું હતું.
ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે બેઠક યોજાશે
ડોનલ્ડ ટ્રમ્પે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના પ્રેસિડન્ટ વૉલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચેની મુલાકાત માટેની તેમની યોજનાઓ વિશે વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘મેં પુતિન અને ઝેલેન્સ્કી સાથે મળીને નિર્ણય લીધો છે. એ બેએ જ નિર્ણય લેવાનો છે. અમે તો ૭૦૦૦ માઇલ દૂર છીએ. મેં પુતિનને ફોન કર્યો. અમે ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જોઈશું કે ત્યાં શું થાય છે અને પછી જો તેઓ સફળ થાય છે તો હું ત્રિપક્ષીય બેઠકમાં જઈશ અને યુદ્ધને બંધ કરાવીશ.’
ઝેલેન્સ્કીએ આઠ વાર થૅન્ક યુ કહ્યું
ફેબ્રુઆરીમાં વાઇટ હાઉસની બેઠકમાં ઝેલેન્સ્કીની અમેરિકાને થૅન્ક યુ ન કહેવા બદલ વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સે ટીકા કરી હતી. તેથી આ વખતે ઝેલેન્સ્કીએ ટ્રમ્પ અને અમેરિકાનો આઠ વખત સ્પષ્ટપણે આભાર માન્યો હતો અને થૅન્ક યુ કહ્યું હતું. તેમનું શરૂઆતનું જ વાક્ય કૃતજ્ઞતાથી ભરેલું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ‘ખૂબ-ખૂબ આભાર મિસ્ટર પ્રેસિડન્ટ, જો હું કરી શકું તો સૌપ્રથમ તમારા ધ્યાન બદલ આભાર. આ યુદ્ધ રોકવા માટે તમારા પ્રયત્નો, વ્યક્તિગત પ્રયાસો બદલ ખૂબ-ખૂબ આભાર.’
ટ્રમ્પે મજાકમાં કહ્યું, યુદ્ધ વચ્ચે ચૂંટણી ન થાય તો હું પણ યુદ્ધ કરું
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ચૂંટણી કરાવવાના સવાલના જવાબમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા સાથેનું યુદ્ધ સમાપ્ત થાય અને મતદારો માટે પૂરતી સલામત પરિસ્થિતિઓ હોય ત્યારે હું દેશમાં ચૂંટણી કરાવવા માટે તૈયાર છું.
આ મુદ્દે ડોનલ્ડ ટ્રમ્પે ઓવલ ઑફિસમાં તેમના ૨૦૨૮ સુધીના કાર્યકાળને ઉદ્દેશીને મજાકમાં કહ્યું હતું કે ‘યુદ્ધ દરમ્યાન તમે ચૂંટણીઓ ન કરાવી શકો? તો મને જોવા દો, મારો સાડાત્રણ વર્ષનો કાર્યકાળ બાકી છે. જો આપણે કોઈની સાથે યુદ્ધમાં હોઈએ તો હવે કોઈ ચૂંટણીઓ નહીં. એ સારું છે.’
ટ્રમ્પ સાથે કેમ વર્તવું એનું કોચિંગ ઝેલેન્સ્કીને UKના વડા પ્રધાને આપ્યું
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે ઝેલેન્સ્કીને ટ્રમ્પ સાથે કેમ વર્તવું એનું કોચિંગ આપ્યું હતું. વૉશિંગ્ટનની મુલાકાતમાં ડોનલ્ડ ટ્રમ્પ સાથે ગયા વખતની જેમ જાહેર અથડામણ ન થાય એ માટે તેમણે ઝેલેન્સ્કીને વર્તનની અને બોલવાની ટ્રેઇનિંગ આપી હતી. સ્ટાર્મરે ઝેલેન્સ્કીને વૉશિંગ્ટનમાં વધુ ઔપચારિક ઇમેજ બનાવવા માટે સૂટ જૅકેટ પહેરવાનું કહ્યું હતું અને લશ્કરી શૈલીના ટી-શર્ટ જેવા ડ્રેસિંગમાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી.


