વિન્ડસર-ડેટ્રોઇટ બ્રિજ ઑથોરિટીના દસ્તાવેજો સૂચવે છે કે આ બ્રિજના બાંધકામ માટે સંપૂર્ણપણે કૅનેડા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી કૅનેડા અમેરિકાને એણે આપેલી દરેક વસ્તુ માટે સંપૂર્ણ વળતર આપશે નહીં ત્યાં સુધી તેઓ અમેરિકા અને કૅનેડાને જોડતા બ્રિજનું ઉદ્ઘાટન અટકાવી દેશે. આ મુદ્દે ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે જ્યાં સુધી અમેરિકા જેના માટે લાયક છે એવા ન્યાયી અને આદર સાથે કૅનેડા નહીં વર્તે ત્યાં સુધી બ્રિજનું ઉદ્ઘાટન થશે નહીં.
ડેટ્રોઇટ નદી પરનો આ બ્રિજ કૅનેડાના ઓન્ટારિયો રાજ્ય અને અમેરિકાના મિશિગનને જોડે છે. કૅનેડિયન આઇસ હૉકીના મહાન ખેલાડીના નામ પરથી એનું નામ ગોર્ડી હોવ ઇન્ટરનૅશનલ બ્રિજ રાખવામાં આવ્યું છે. આ બ્રિજના બાંધકામમાં ૪.૭ અબજ ડૉલરનો ખર્ચ થયો છે અને તમામ રકમ કૅનેડાએ ખર્ચ કરી છે. વિન્ડસર-ડેટ્રોઇટ બ્રિજ ઑથોરિટીના દસ્તાવેજો સૂચવે છે કે આ બ્રિજના બાંધકામ માટે સંપૂર્ણપણે કૅનેડા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું અને એ કૅનેડિયન સરકાર અને અમેરિકાના મિશિગન રાજ્યની માલિકીનો છે. ટ્રમ્પના મતે ગોર્ડી હોવ ઇન્ટરનૅશનલ બ્રિજનો ઓછામાં ઓછો અડધો હિસ્સો અમેરિકા પાસે હોવો જોઈએ.


