૧૨ દુર્લભ ખનિજની નિકાસ પર ચીને નિયંત્રણ મૂક્યું એનાથી અમેરિકન પ્રેસિડન્ટ ભડક્યા
ડોનલ્ડ ટ્રમ્પ
પહેલી નવેમ્બરથી નવી ટૅરિફ લાગુ થશે ઃ ચીનની પ્રોડક્ટ્સ પર હવે અમેરિકામાં કુલ ૧૩૦ ટકા ટૅરિફ લાગશે ઃ ચીન દુનિયાને બંધક બનાવવાની કોશિશ કરતું હોવાનો અમેરિકાનો આરોપ ઃ નિષ્ણાતોનું માનવું છે કે આ નવી ટૅરિફથી અમેરિકામાં કેટલીક ભારતીય પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર ઍડિશનલ ૧૦૦ ટકા ટૅરિફ લગાવવાની જાહેરાત કરી છે. ચીની પ્રોડક્ટ્સ પર ઑલરેડી ૩૦ ટકા ટૅરિફ તો લાગે જ છે. આ જાહેરાત પછી ચીનના માલ પર અમેરિકામાં ૧૩૦ ટકા ટૅરિફ લાગશે. આ નવી ટૅરિફ પહેલી નવેમ્બરથી લાગુ થશે.
ADVERTISEMENT
ટ્રમ્પનું આ રીઍક્શન ચીને મૂકેલાં દુર્લભ ખનિજોની નિકાસ પરનાં નિયંત્રણોને કારણે આવ્યું છે. ચીન પાસે વિશ્વનાં ૧૭ દુર્લભ ખનિજો છે જેનો ઉપયોગ વિશ્વભરમાં ઇલેક્ટ્રૉનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો અને સંરક્ષણ ક્ષેત્રમાં થાય છે. ચીન પહેલેથી જ ૭ દુર્લભ ખનિજોને નિયંત્રિત કરતું હતું, પરંતુ ૯ ઑક્ટોબરે ચીને એમાં અન્ય પાંચ ખનિજો પર પણ નિયંત્રણ જાહેર કર્યું હતું. એનો મતલબ એ કે આ ૧૨ ખનિજોનો ઉપયોગ કરવા માટે ચીન પાસેથી એક્સપોર્ટ લાઇસન્સની જરૂર પડશે.
ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘ચીને દુનિયાને ખૂબ જ આક્રમક પત્ર મોકલ્યો છે. એમાં કહેવાયું છે કે પહેલી નવેમ્બરથી તેઓ દરેક ઉત્પાદન પર વ્યાપક નિયંત્રણો લાદશે. આમાં ફક્ત ચીનમાં બનેલી પ્રોડક્ટ્સ જ નહીં, કેટલીક એવી ચીજો પણ સામેલ છે જે ચીનમાં બનતી જ નથી. આ નિર્ણય પાછો બધા દેશોને લાગુ પડશે. એ વિશ્વાસ કરવાનું મુશ્કેલ છે કે ચીને આવું પગલું ભર્યું. આ ઘટના વૈશ્વિક વેપારને હલાવી શકે છે, કેમ કે ચીન દુનિયાનું સૌથી મોટું એક્સપોર્ટર છે. ચીનની જાહેરાત પછી ઘણા દેશોએ મારો સંપર્ક કર્યો છે. ચીન વધુ આક્રમક બની રહ્યું છે. એ ઇલેક્ટ્રૉનિક્સ, કમ્પ્યુટર, ચિપ્સ, લેસર, જેટ એન્જિન અને અન્ય ટેક્નૉલૉજીમાં વપરાતી ધાતુઓ અને ચુંબકો પર પ્રતિબંધ લગાવીને વિશ્વને બંધક બનાવી રહ્યું છે.’
ચીન પરની વધારાની ટૅરિફથી ભારતને ફાયદો થઈ શકે છે
નિષ્ણાતોનું કહેવું છે કે ચીનના મુકાબલે ભારતનાં ઉત્પાદનો પર હવે ઓછી ટૅરિફ હોવાથી સરખામણીમાં ભારતની ચીજો અમેરિકામાં સસ્તી રહેશે. એનાથી ટેક્સટાઇલ, ટૉય્સ, ઇલેક્ટ્રૉનિક્સ, ફુટવેઅર અને સોલર પૅનલ જેવા સેક્ટરમાં ભારતને વધુ ફાયદો થઈ શકે છે.


