ચીને ૨૦૨૦માં ગલવાનમાં ભારતીય સૈનિકો સાથે થયેલા લોહિયાળ ઘર્ષણ વખતે જે પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હતો એ પ્રકારનાં હથિયાર અત્યારે ચીન મોટા પાયે ખરીદી રહ્યું છે

ચીનની મિલિટરી પાસે રહેલું ધારદાર હથિયાર.
બીજિંગ: ચીન એક બાજુ સીમા વિવાદનો ઉકેલ લાવવા માટે વાતચીત પર ભાર મૂકે છે, જ્યારે બીજી બાજુ પોતાની લશ્કરી તાકાત સતત વધારી રહ્યું છે. ચીને ૨૦૨૦માં ગલવાનમાં ભારતીય સૈનિકોની સાથે થયેલા લોહિયાળ ઘર્ષણ વખતે જે પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હતો એ પ્રકારનાં હથિયારોને અત્યારે ચીન મોટા પાયે ખરીદી રહ્યું છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી કોલ્ડ વેપન્સ કૅટેગરીમાં આવતાં કમ્બાઇન્ડ મેસિસ હથિયાર ખરીદી રહી છે જેનો ઉપયોગ ગલવાનમાં થયેલા ઘર્ષણમાં થયો હતો, જેમાં ૨૦ ભારતીય જવાન શહીદ થયા હતા.
કમ્બાઇન્ડ મેસિસ વાસ્તવમાં નોખા પ્રકારનાં હથિયાર છે, જેની ઉપરની બાજુ ધારદાર ભાગ મૂકીને હુમલો કરવામાં આવે છે. એક્સપર્ટ્સને આશંકા છે કે ચીન આ હથિયારોનો ઉપયોગ વાસ્તવિક અંકુશ રેખા પર ભારતીય સૈનિકો પર કરી શકે છે અને ગલવાનમાં થયેલી ઘટનાનું પુનરાવર્તન થઈ શકે છે.
ચીનના વિદેશ પ્રધાન કિન ગાંગે આ મહિનાની શરૂઆતમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત અને ચીને દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે બૉર્ડર વિવાદનો યોગ્ય રીતે ઉકેલ લાવવો જોઈએ અને બૉર્ડર પર સ્થિતિ સામાન્ય કરવા માટે મળીને કામ કરવું જોઈએ.
આ પણ વાંચો: ચીને સરહદ પર એકતરફી રીતે પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કરતાં સંબંધો બગડ્યા
જાહેર મંચ પર ભારતની સાથે સંબંધો સુધારવાની વાત કરનારા ચીને આ વર્ષે જાન્યુઆરીમાં પોતાની આર્મી માટે આવા ધારદાર હથિયારની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું હોવાની વિગતો મળી છે, જેના એક મહિના બાદ આ હથિયારોની ખરીદી કરવામાં આવી હતી.
ચીનની આર્મીએ બે પ્રકારનાં ધારદાર હથિયારો ખરીદ્યાં છે, જેમાંથી એકને મેસિસ અને બીજાને કમ્બાઇન્ડ મેસિસ કહેવામાં આવે છે. વાસ્તવિક અંકુશ રેખા પર ચીનના સૈનિકોના હાથમાં આ પ્રકારનાં ધારદાર હથિયારો જોવા મળ્યાં છે.
કેટલાક રિપોર્ટ્સ અનુસાર ચીનની મિલિટરીએ તિયાનજિનમાં પૅટ્રોલિંગ દરમ્યાન અપરાધીઓનો સામનો કરવા માટે આ પ્રકારનાં હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ચીનની મિલિટરીના પર્ચેઝ ઑર્ડર અનુસાર આ મેસિસની લંબાઈ લગભગ ૧.૮ મીટર હોય છે જેના ત્રણ ભાગ હોય છે. એમાં સૌથી ઉપરના ભાગે હથોડા જેવું હોય છે. હથિયારોની વચ્ચેનો ભાગ લોખંડનો, જ્યારે છેલ્લો ભાગ રોડ ડ્રિલ પ્રકારનો હોય છે. આ હથિયારની બંને બાજુ બાવળિયાના છોડ પર કાંટા ઊગ્યા હોય એમ ધારદાર ભાગ હોય છે.
ચીનની બાબતોના નિષ્ણાત સુયશ દેસાઈએ કહ્યું હતું કે મેસિસ અને કમ્બાઇન્ડ મેસિસના ફોટોગ્રાફ્સ ચીનની મિલિટરીની વેબસાઇટ પર છે. ચીનની આર્મી ચોક્કસ જ ભારત અને ચીનના બૉર્ડર પર એનો ઉપયોગ કરવા જઈ રહી છે. આ હથિયારોનો આ પહેલાં પણ બૉર્ડર પર ઉપયોગ થઈ ચૂક્યો છે. એનાથી એ નક્કી છે કે બૉર્ડર પર એનો ફરી ઉપયોગ થશે. હવે ભારત માટે બૉર્ડર પર મુશ્કેલીઓ વધી શકે છે.