કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે કૅનેડા પૅલેસ્ટીન સ્ટેટને માન્યતા આપે છે
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર
બ્રિટન, કૅનેડા અને ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે જાહેરાત કરી કે તેઓ અમેરિકા અને ઇઝરાયલના વિરોધ છતાં ઔપચારિક રીતે પૅલેસ્ટિનિયન સ્ટેટને માન્યતા આપી રહ્યા છે. આ મુદ્દે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું હતું કે આ પગલું પૅલેસ્ટિનિયનો અને ઇઝરાયલીઓ માટે શાંતિની આશાને પુનર્જીવિત કરવા માટે હતું. ભાવિ પૅલેસ્ટિનિયન સ્ટેટના શાસનમાં હમાસની કોઈ ભૂમિકા રહેશે નહીં અને ૨૦૨૩ની ૭ ઑક્ટોબરે કરવામાં આવેલા હુમલાઓમાંથી હજી પણ ઇઝરાયલના બંધકોને મુક્ત કરવા પડશે.
બીજી તરફ ટૉરોન્ટોમાં કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે કૅનેડા પૅલેસ્ટીન સ્ટેટને માન્યતા આપે છે અને પૅલેસ્ટીન સ્ટેટ અને ઇઝરાયલ બન્ને માટે શાંતિપૂર્ણ ભવિષ્યના વચનના નિર્માણમાં અમારી ભાગીદારી પ્રદાન કરે છે.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાએ એમ પણ કહ્યું કે એ પૅલેસ્ટિનિયન સ્ટેટને માન્યતા આપી રહ્યું છે, જે આ અઠવાડિયાના ન્યુ યૉર્કમાં યોજાનારી યુનાઇટેડ નેશન્સ જનરલ ઍસેમ્બલી બેઠક પહેલાં આ પગલું ભરનારી નવીનતમ પશ્ચિમી સરકાર બની રહી છે.
૧૪૫થી વધુ સભ્ય દેશો પહેલાંથી જ પૅલેસ્ટીનને માન્યતા આપી ચૂક્યા છે. ફ્રાન્સ પણ આજે માન્યતા આપે એવી અપેક્ષા છે. પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉન સાઉદી અરેબિયા સાથે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં આ જાહેરાત કરશે.
અમેરિકા અને ઇઝરાયલે આ રીતે આપવામાં આવેલી માન્યતાઓની ટીકા કરી છે અને કહ્યું છે કે એ હમાસને પુરસ્કાર આપે છે અને સીધી વાટાઘાટોની શક્યતાઓને નબળી પાડે છે. બીજી તરફ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે કૅનેડાના નિર્ણયથી વૉશિંગ્ટન સાથે ટ્રેડ-ડીલ ખૂબ મુશ્કેલ બનશે.


