BJPના સુવેન્દુ અધિકારીનો ચોંકાવનારો દાવો
સુવેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ગઈ કાલે પૂર્બા મેદિનીપુર જિલ્લાના તમલુકમાં એક કાર્યક્રમને સંબોધતાં દાવો કર્યો હતો કે ‘પશ્ચિમ બંગાળની મતદારયાદીમાં ૧.૨૫ કરોડ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે અને તે બધાને યાદીના સ્પેશ્યલ ઇન્ટેન્ટિવ રિવિઝન (SIR) પછી પાછા મોકલવામાં આવશે. જો બિહારમાં લગભગ ૫૦ લાખ નામો બાકાત રાખવામાં આવે તો બંગાળમાં આવાં ૧.૨૫ કરોડ નામો હોઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં બધા બંગલાદેશીઓ અને રોહિંગ્યાઓને SIR પછી પાછા ધકેલી દેવામાં આવશે. બંગલાદેશમાં ધાર્મિક અત્યાચારને કારણે સ્થળાંતર કરીને ભારત આવેલા હિન્દુઓએ આ કવાયત વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે મુખ્ય પ્રધાનને કોઈ બચાવી શકશે નહીં. બધી લૂંટફાટ અને ભ્રષ્ટાચારનો અંત આવશે. ખોટા મતદાનના કિસ્સાઓ ઘટશે. જે લોકો ખોટા મતદાન કરતા હતા તેમને બહાર કાઢવામાં આવશે.’
અધિકારીએ સરકારી અધિકારીઓને પ્રામાણિકતાથી કામ કરવા ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જે જિલ્લા સ્તરના અધિકારીઓ આમ કરવામાં નિષ્ફળ જશે તેઓ મુશ્કેલીમાં મુકાશે.


