કરદાતાઓના પૈસા યોગ્ય જગ્યાએ વપરાતા ન હોવાનો આરોપ મૂક્યો: બાવીસ જાન્યુઆરીથી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનમાંથી પણ અમેરિકા બહાર
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે બુધવારે ૬૬ આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે અમેરિકાનો નાતો તોડવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે અમેરિકાને ૬૬ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેતા આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. એમાં ૩૫ નૉન-યુનાઇટેડ નેશન્સ સંગઠન છે અને ૩૧ યુનાઇટેડ નેશન્સની સંસ્થાઓ છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ સંગઠનો હવે અમેરિકાના રાષ્ટ્રીય હિત, સુરક્ષા અને અર્થવ્યવસ્થાઓની વિરુદ્ધ કામ કરી રહ્યાં છે. વાઇટ હાઉસના કહેવા મુજબ વિશ્લેષણ કરતાં જોવા મળ્યું છે કે આ સંગઠનોમાં અમેરિકાના કરદાતાઓનો પૈસો સાચી રીતે ખર્ચ નહોતો થતો. એમાં પૈસાની બરબાદી થતી હતી અને આ સંસ્થાઓ બિનજરૂરી અથવા તો ખરાબ રીતે ચલાવાઈ રહી હતી. સરકારનું કહેવું છે કે આ સંગઠનોમાંથી બચેલો પૈસો હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બૉર્ડર સિક્યૉરિટી અને સેના પર ખર્ચવામાં આવશે. આ પગલું ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિનો હિસ્સો છે અને વૈશ્વિક સંસ્થાઓથી અંતર બનાવવા પર જોર આપે છે.
અમેરિકાએ ભારતની પહેલથી બનેલું ઇન્ટરનૅશનલ સોલર અલાયન્સ (ISA) પણ છોડવાનું નક્કી કર્યું છે. ૨૦૧૫માં નરેન્દ્ર મોદીએ તત્કાલીન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલંકે સાથે પૅરિસ જળવાયુ સંમેલનમાં શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
અમેરિકા યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઑન ક્લાઇમેટ ચેન્જ (UNFCC) સંસ્થામાંથી પણ બહાર થશે. આ એવું સંગઠન છે જે દુનિયાના લગભગ તમામ દેશોને જોડે છે અને જળવાયુ પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે.
દાયકાઓની મહેનત બરબાદ થશે
ટ્રમ્પના આ નિર્ણયની દુનિયાભરના જળવાયુ પરિવર્તન નિષ્ણાતો ટીકા કરી રહ્યા છે. અમેરિકાની ભૂતપૂર્વ જળવાયુ પરિવર્તન સલાહકારનું કહેવું છે કે ‘ટ્રમ્પનો આ વિચાર ખૂબ નબળો, શરમજનક અને મૂર્ખતાભર્યો છે. હવે અમેરિકા એકમાત્ર દેશ હશે જે UNFCCનો હિસ્સો નહીં હોય. એનાથી દાયકાઓથી થયેલી મહેનત પર પાણી ફરી વળશે.’ એક્સપર્ટ્સનું કહેવું છે કે ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં અમેરિકા બીજા નંબરે છે. અમેરિકાની આવી મનમાની બીજા દેશોની જળવાયુ પરિવર્તન પ્રત્યેની પ્રતિબદ્ધતા ઘટાડીને મનમાની કરવાનું બહાનું આપશે.
WHOમાંથી પણ બહાર
ડોનલ્ડ ટ્રમ્પે ઑલરેડી જાન્યુઆરી ૨૦૨૫માં જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના સભ્યપદેથી નીકળવા માટે એક વર્ષનો નોટિસ પિરિયડ જરૂરી હોય છે. હવે એ પિરિયડ પૂરો થવામાં છે એટલે બાવીસ જાન્યુઆરી પછી અમેરિકા WHOનું સભ્ય પણ નહીં રહે.


